વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની તેજીની અસર સ્થાનિક સ્તરે જોવા મળી છે. એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વરના ભાવ આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. એમસીએક્સ પર સોનાની કિંમત પ્રથમ વખત રૂ. 71080 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચી છે. એમસીએક્સ ચાંદીએ પણ રૂ. 82000 પ્રતિ કિગ્રાની સપાટી વટાવી છે. 3 મે ચાંદી વાયદો 1.33 ટકા વધી રૂ. 81940 પ્રતિ કિગ્રા થઈ હતી.
વૈશ્વિક સ્તરે પણ સોનુ 0.25 ટકા વધી 2350 ડોલર પ્રતિ ઔંસની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. સ્પોટ સિલ્વર 1.07 ટકા વધી 27.85 ડોલર પ્રતિ ઔંસ આસપાસ પહોંચી છે. સોના-ચાંદીના ભાવમાં ઉછાળા પાછળ મુખ્યત્વે બે પરિબળો છે. એક ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની સંભાવના અને બીજુ સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં વધારો છે. ચીનમાં પણ રિયાલ્ટી સેક્ટર અને સ્ટોક માર્કેટની મંદીના પગલે રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થયા છે.
- Advertisement -
હાજર બજારોમાં મંદીનો માહોલ
અમદાવાદ ખાતે શનિવારે હાજર સોનુ રૂ. 73000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. ચાંદી પણ રૂ. 81000 પ્રતિ કિગ્રા થઈ હતી. અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીની રેકોર્ડ તેજીના પગલે સ્થાનીય સ્તરે ભાવ વધતાં હાજર બજારોમાં નવી ખરીદી મામલે મંદીનો માહોલ જોવા મળ્યો છે. વેપારીઓ અને રોકાણકારોએ હાલ પૂરતી નવી ખરીદી અટકાવી છે. ઘરાકોએ ભાવ હજી વધવાના આશાવાદ સાથે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. અમુકે વેચવાલી નોંધાવી પ્રોફિટ બુક કર્યો છે.
રૂપિયો 4 પૈસા મજબૂત થયો
- Advertisement -
આજે ભારતીય રૂપિયો ડોલર સામે 4 પૈસાની મજબૂતાઈ સાથે 83.26ના સ્તરે ખૂલ્યો હતો. જો કે, બાદમાં 83.32ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ફેડ રેટ કટની શક્યતાઓ વચ્ચે ડોલર નબળો પડવાના સંકેત નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.