મોગલ ધામ નજીક વહેલી સવારે કારના કુરચેકુરચા, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના: મૃતક તલોદનો યુવાન, 4 ઘાયલ સોલા સિવિલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
બગોદરા-બાવળા હાઈવે: બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી, જેના કારણે કારના કુરચેકુરચા બોલાઈ ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર યોગેશભાઈ (ઉં.વ. 35, રહે. તલોદ) નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કારમાં સવાર આ પરિવાર સુરેન્દ્રનગરના સરા ગામથી દહેગામ ખાતે એક લોકિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કારમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાવળા પોલીસે આ ગંભીર અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



