ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે 27મી એપ્રિલના રોજ હનુમાન જયંતિનો પાવન તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે મહાબલી સાથે સંકળાયેલી કેટલીક વાતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પ્રસ્તુત કરવાની ઇચ્છા છે
– પરખ ભટ્ટ
હિંદુ ધર્મમાં કેટલાક દેવી-દેવતાઓને પરાલૌકિક શક્તિ ધરાવતાં દર્શાવાયા છે. એમાં પણ ખાસ કરીને પવનપુત્ર હનુમાનને હવામાં ઉડ્ડયન કરનાર સૌથી ઝડપી દેવ તરીકે પૂજવામાં આવે છે. એ સિવાય તેઓ અત્યંત ત્વરાથી પોતાનાં શરીરનું કદ વધારી અને ઘટાડી શકે છે. આસ્થા-શ્રદ્ધાનાં અભિગમને ઘડીક બાજુ પર મૂકીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો સમજાય કે, વાસ્તવમાં કોઇ વાનરદેવ હવામાં કેવી રીતે ઉડી શકે? પરંતુ આપણા યોગ-પ્રાણાયામ અને ધર્મ-ધ્યાન થકી એવા અનેક ઉપાયો સામે આવ્યા છે, જેની મદદથી હવામાં મુક્તપણે ઉડી શકવાની બાબત શક્ય બની શકે છે! અમુક દશકાઓ અગાઉ, આધુનિક વિજ્ઞાન યોગ-પ્રાણાયામનાં કોન્સેપ્ટનો સ્વીકાર કરવાની જ મનાઈ ફરમાવતું હતું. વૈદિક ઉપચારને વૈજ્ઞાનિક નહોતાં ગણવામાં આવતાં! પરંતુ આજે તેને જિંદગી જીવવાનો શ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવે છે.
મહેશ્વર તીર્થ, ગોવિંદરાજ, નાગોજી ભટ્ટ, માધવ યોગેન્દ્ર વર્ષોની અથાક મહેનત બાદ રામાયણનાં તમામ શ્લોકનો વિસ્તૃત અર્થ કાઢી શક્યા. ખાસ કરીને લંકાના યુદ્ધ સમયની ઘટનાઓ તેમજ હનુમાનની ઉડ્ડયન ગતિ અંગેની માહિતી મેળવવા માટે તેમણે વિવિધ પૌરાણિક કેલેન્ડરનો પણ અભ્યાસ કર્યો. એમાંના કેટલાક સમીકરણો તો હનુમાન દ્વારા હિમાલય પર્વતથી લાવવામાં આવેલી સંજીવની જડીબુટ્ટીનું વર્ણન કરતાં હતાં. તદુપરાંત, રામેશ્વરમથી લંકા સુધી અને પૃથ્વીથી સૂર્ય સુધીની એમની છલાંગની ગણતરીઓ પણ ખરા! કેટલાક વિદ્વાનોએ દાવાપૂર્વક કહ્યું છે કે હનુમાન 660 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતાં હોવા જોઇએ. (હવા કરતાં 30 ટકા વધુ ઝડપે!) વાયુદેવનાં પુત્ર હોવાને નાતે હવામાં ઉડી શકવાની ક્ષમતા તેમની પાસે જન્મ સમયથી જ હતી. નાનપણમાં એક વખત મારૂતિએ પોતાનાં કક્ષની બહાર ગોળમટોળ પીળા લચકતાં ફળને જોયું, તેને લાગ્યું કે આંબાના વૃક્ષ પર કેરી પાકી ગઈ છે. અને તુરંત એમના મોંમા પાણી આવી ગયું. ઝાડનાં પાંદડાઓની વચ્ચેથી ડોકિયું કરતો સૂરજ મારૂતિને કેરીનાં ફળ સમાન પ્રતીત થયો અને તેમણે કેરી ખાવા માટે એ ચમકતાં પીળા ફળ તરફ છલાંગ લગાવી. વૃક્ષને પાંદડાને આરપાર વીંધીને તેઓ આકાશમં ઉંચે-ઉંચે ઉડવા લાગ્યા, હજુ પણ તેમને અહેસાસ ન થયો કે પોતે જેના તરફ આગળ ધપી રહ્યા છે એ ફળ નહીં પરંતુ સાક્ષાત સૂર્ય છે. જોતજોતામાં તેઓ સૂર્ય સુધી પહોંચીને એમને ગળી ગયા! જ્યાં સુધીમાં મારૂતિ સૂર્ય સુધી પહોંચ્યા, એ સમયે સૂર્યગ્રહણ થવાનો સમય હતો. નવગ્રહોમાંનો એક અદ્રશ્ય રાહુ, થોડા સમય માટે સૂર્યને ગળી પોતાનો ઉપવાસ તોડવા માટે તત્પર બન્યો હતો. પરંતુ સૂર્યને મારૂતિનાં મુખમાં રહેલા જોઇને અત્યંત ક્રોધ આવ્યો. તેણે મારૂતિ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યુ. અલબત્ત, મારૂતિની શક્તિ અને બળની સામે રાહુનું કંઈ જ ન ચાલ્યું.
- Advertisement -
ધ્યાન અને પ્રાણાયામની મદદ વડે ઉડ્ડયન શક્ય છે! એવી ઘણા યોગાસનો છે, જેની મદદ વડે ભુજાનાં માંસપિંડ અથવા સ્નાયુનું વજન ઘટાડી શકાય છે તેમજ છાતીમાં સ્નાયુ ઉમેરી પણ શકાય છે!
ધુંવાપુંવા થઈ ઉઠેલો રાહુ ઇન્દ્રદેવ પાસે મદદ માંગવા ગયો. કહ્યું કે, ‘તમારી જ આજ્ઞાનું પાલન કરવા માટે હું થોડા સમય માટે સૂર્યને ગળીને મારી ભૂખ શાંત કરી રહ્યો હતો, પરંતુ લાગી રહ્યું છે જાણે તમે સૂર્ય બીજા કોઇને ભેટમાં આપી દીધો છે!’ રાહુની વાત સાંભળીને તુંડમિજાજી ઇન્દ્ર તુરંત પોતાનાં ઐરાવત હાથી પર બેસીને મારૂતિને રોકવા માટે નીકળી પડ્યા. પરંતુ ઇન્દ્ર મારૂતિ સુધી પહોંચે એ પહેલા જ રાહુ ત્યાં પહોચી ગયો. રાહુને ફરી વખત આવી ચડેલો જોઇને મારૂતિએ એને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યુ. સૂર્યની જેમ રાહુને પણ ફળની માફક ગળી જવા માટે તેઓ આગળ ધપ્યા કે તરત રાહુએ મદદની પોકાર લગાવી અને ઇન્દ્ર ત્યાં હાજર થયા. તેમણે કહ્યું કે, ચિંતા ન કર.. રાહુ! આ બાળકને હું ખતમ કરી નાંખીશ!
જે દિશામાંથી ઇન્દ્રનો અવાજ સંભળાયો એ દિશામાં મારૂતિ માથું ફેરવીને જુએ છે તો મોટો સફેદ રંગનો સુંદર ઐરાવત હાથી દેખાય છે. એને પકડવા માટે મારૂતિ ઇન્દ્રની દિશામાં આગળ વધે છે કે તરત ઇન્દ્ર પોતાનાં વજ્રાસ્ત્રનો પ્રહાર એ નાના બાળક પર કરી દે છે. ભગવાન શિવનો અવતાર હોવાને કારણે મારૂતિનું મૃત્યુ તો ન થયું પરંતુ તે મૂર્છિત અવસ્થામાં જમીન પર એક પથ્થર સાથે અથડાયો, જેમાં તેમનુ હનુ (જડબું) ભાંગી ગયું. (આ કારણોસર તેમને ભક્તો હનુમાન તરીકે ઓળખે છે.) એક નિર્દોષ બાળક પર ઇન્દ્રે કરેલા પ્રકારથી નારાજ થયેલા મારૂતિનાં પિતા વાયુદેવે સૃષ્ટિમાંથી હવા પરત લેવાનું શરૂ કરી દીધું. હવાની ગેરહાજરીમાં તમામ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ ગયું. તમામ ભક્તો અને દેવી-દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે મદદની માંગણી કરવા પહોંચ્યા, તેમણે ઇન્દ્ર દ્વારા કરાયેલા વજ્રનાં પ્રહારની અસરને નાબૂદ કરવા બ્રહ્માજીને વિનંતી કરી. ઇન્દ્ર બ્રહ્માજીની વાતને ટાળી ન શક્યો અને તુરંત એણે મારૂતિ પરથી વજ્રાસ્ત્રની અસર હટાવી લીધી. હનુમાન ભાનમાં તો આવી ગયો પરંતુ પોતાનાં દીકરાનું આવું અપમાન હજુ પણ વાયુદેવને ગળે નહોતું ઉતરી રહ્યું. એમને મનાવવા માટે તમામ દેવોએ હનુમાનને પોતપોતાના તરફથી વરદાન આપવાનો નિર્ણય લીધો.
- Advertisement -
ભગવાન બ્રહ્માએ મારૂતિની માવજત લઈને એને તમામ પ્રકારની શારીરિક પીડામાંથી મુક્ત કર્યો. એમણે વાયુદેવને વિનંતી કરી કે સૃષ્ટિનું સંતુલન બગડવા ન દે! તાત્કાલિક વાયુદેવે જીવસૃષ્ટિમાં હવા વહેતી કરી મૂકી. બીજી બાજુ, બ્રહ્માજીએ પણ મારૂતિને કોઇ પણ હથિયાર દ્વારા નુકશાન ન પહોંચે એવું વરદાન આપ્યું. સાથોસાથ, મિત્રોને ભયમુક્ત અને શત્રુમાં ભય ઉમેરી શકવાની શક્તિ પ્રદાન કરી. તદુપરાંત, પોતાનું સ્વરૂપ બદલી શકવાની ક્ષમતા પણ એમને વરદાનમાં મળી! ભગવાન શિવે એમને અપ્રતિમ બુદ્ધિક્ષમતા, દીર્ઘાયુ જીવન અને સાગરપાર ઉડી શકવાનું વર આપ્યું. પોતાનાથી થયેલી ભૂલનો પશ્ચાતાપ કરવા માટે ઇન્દ્ર દેવે મારૂતિનો દેહ વજ્રાસ્ત્ર કરતાં પણ વધુ મજબૂત બને એવું વરદાન આપ્યું. વરૂણદેવે પાણી સામે રક્ષણ, અગ્નિદેવે આગ સામે રક્ષણ અને યમદેવતાએ પોતાનાં શસ્ત્ર ‘દંડ’ સામે સુરક્ષિત રહેવાનું વરદાન આપ્યું. ધનદેવતા કુબેર તરફથી સદા ખુશ અને સમૃદ્ધ રહેવાનાં આશીર્વાદ એમને પ્રાપ્ત થયા. સૌથી અગત્યની વાત એ છે કે, સૂર્યદેવે મારૂતિને ‘લઘિમા’ અને ‘ગરિમા’ નામની બે સિદ્ધિઓ પ્રદાન કરી, જેની મદદ વડે મારૂતિ પોતાનાં દેહનું કદ વધારી-ઘટાડી શકતાં હતાં! વિશ્વકર્માએ એમને અન્ય કોઇ પણ હથિયાર સામે સંરક્ષણ અને કામદેવ દ્વારા એમને કામ-વાસનાથી મુક્ત રહેવાનાં વર મળ્યા!
અંતે, તમામ દેવો દ્વારા વરદાન આપી દીધા બાદ મારૂતિનાં પિતા વાયુદેવ દ્વારા પણ પોતાનાં પુત્રને એક વરદાન આપવામાં આવ્યું, જે હતું : હવા કરતાં પણ વધુ ઝડપે ઉડી શકવાની ક્ષમતા! પરંતુ સવાલ એ છે કે એ શક્ય કઈ રીતે બન્યું? એ વિશે ઊંડાણમાં ઉતરતા પહેલા એ જોઇએ કે પક્ષીઓ હવામાં કેવી રીતે ઉડી શકે છે :
(1) હળવાફૂલ પીંછા, ઝાઝા વાળ વગરનું શરીર અને પાતળી ચામડી! જેને લીધે પક્ષીનાં શરીરનું કુલ વજન સાવ ઓછું હોય છે.
(2) સ્નાયુ કે માંસપિંડ વગરની પાંખો.
(3) પાંખોમાં કોઇ સ્નાયુ ન હોવા છતાં છાતીમાં દળદાર માંસપિંડ હોવાને લીધે પક્ષીને બંને પાંખો ફફડાવવા માટે પૂરતી શક્તિ મળી રહે છે.
(4) ઉંચા હ્રદય-ધબકારા
(5) ન્યુનત્તમ શારીરિક વજન.
તો આ તમામ પરિબળો એવા છે, જેનાં કારણે પંખીને હવામાં ઉડવા માટે સરળતા પડે છે. તેમનો શારીરિક બાંધો એવા પ્રકારે ઘડાયેલો છે, જેથી ઉડ્ડયન વખતે એમને કોઇ જાતની તકલીફ મહેસૂસ ન થાય. પરંતુ માનવજાત માટે ઉડ્ડયન શા માટે અશક્ય છે એ માટેનાં કારણો વિશે જાણકારી મેળવવી પણ જરૂરી છે :
(1) હળવી પાંખોને બદલે ભારેભરખમ ભુજાઓ.
(2) પક્ષીની પાંખ ફફડાવવાની ઝડપે માણસની હાથ ફફડાવીને હવામાં ઉડી શકવાની અસક્ષમતા.
(3) છાતી કરતાં વધુ વજનદાર હાથનાં સ્નાયુઓ.
(4) પક્ષીનું હ્રદય દર મિનિટે સરેરાશ 420 વખત ધબકે છે, જ્યારે મનુષ્યનું ફક્ત 72 વખત! જેનાં કારણે હવામાં ઉડી શકવા માટે પૂરતા પ્રમાણમાં ઉર્જા પેદા કરવી શક્ય નથી.
પંખીજગત અને માનવજગત પાસે પોતપોતાની મર્યાદાઓ છે. જેને લાંઘીને એકબીજાનાં કાર્યો કરી શકવા એ સામાન્યત: સંભવ નથી. વિજ્ઞાન કહે છે કે, અગર મનુષ્યને હવામાં ઉડવું હોય તો પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણબળ કરતાં વધુ ઉર્જા શરીરમાં ઉત્પન્ન થવી જરૂરી છે. (એક રીતે જોવા જઈએ તો શારીરિક દળનો ગુણાકાર ગુરૂત્વાકર્ષણબળ 9.81 સાથે કર્યા બાદ જે પરિણામ મળે એટલી ઉર્જા પેદા થવી જોઇએ.) ઉદાહરણ તરીકે, અગર તમારું વજન 50 કિલોગ્રામ હોય તો, એને ગુણ્યા 9.81 કરો એટલે પરિણામરૂપે મળતી રાશિ છે : 490! આ કારણોસર જ જ્યારે તમે હવામાંથી જમીન પર છલાંગ લગાવો છો ત્યારે ધરતી એકસમાન બળ વિરૂદ્ધ દિશામાં લગાવે છે. આવી જ રીતે, માણસને અગર હવામાં ઉડવું હોય તો હવાને ધક્કો મારીને આગળ વધવું પડે છે. જેનાં માટે પુષ્કળ શારીરિક ઉર્જાની આવશ્યકતા પડે છે. ટૂંકમાં, અગર વ્યક્તિ પોતાનાં હાથ-પગમાં સ્નાયુનો ઉમેરો કરી પંખીની પાંખોની ઝડપે એને ફફડાવે તો ઉડ્ડયન શક્ય છે!
કોઇપણ અનુભવી યોગગુરૂને આ પ્રશ્ન પૂછશો તો એ પણ કહેશે, ધ્યાન અને પ્રાણાયામની મદદ વડે ઉડ્ડયન શક્ય છે! એવી ઘણા યોગાસનો છે, જેની મદદ વડે ભુજાનાં માંસપિંડ અથવા સ્નાયુનું વજન ઘટાડી શકાય છે તેમજ છાતીમાં સ્નાયુ ઉમેરી પણ શકાય છે! કોઇપણ એથ્લિટ અથવા યોગગુરૂનાં શરીરનું લચીલાપણું એ વાતની સાબિતી છે. તદુપરાંત, હ્રદયનાં ધબકારા વધારવા માટે પણ કેટલી યોગિક એક્સરસાઈઝ કરાવવામાં આવે છે. યોગ એ વાસ્તવમાં માણસનાં દેહને શારીરિક અને માનસિક સક્ષમતા પ્રદાન કરવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે.
હનુમાનની ઉડ્ડયનગતિ વિશે ઇતિહાસકારો શું કહે છે એ જાણવું મહત્વપૂર્ણ રહેશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં સંસ્કૃત પ્રોફેસર રોબર્ટ પી. ગોલ્ડમેનનું કહેવું હતું કે, બારમીથી અઢારમી સદીની વચ્ચે જીવી ગયેલા સંસ્કૃત મહાવિદ્વાનો કોઇપણ અતાર્કિક બાબતોને સ્વીકારવા તૈયાર નહોતાં. સંસ્કૃત ગ્રંથોમાં આપવામાં આવેલા દરેક શ્લોક પર પણ પુષ્કળ વૈજ્ઞાનિક સંશોધનો થયા. જ્યારે પ્રોફેસર રોબર્ટને પૂછવામાં આવ્યું કે વાનરજાતિ (હનુમાન)નાં ઉડ્ડયન વિશે શું કહેવા માંગશો ત્યારે એમણે જણાવ્યું કે, ઘણા વિદ્વાનો સ્પષ્ટપણે સ્વીકારે છે કે હનુમાન લગભગ 660 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે સંજીવની પર્વત લંકા સુધી લઈ આવ્યા અને એ જ ઝડપે મૂળ સ્થાન પર પરત મૂકી પણ આવ્યા!
2013ની સાલમાં થયેલી આ પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે કહ્યું હતું કે અત્યારસુધીમાં વાયુની મહત્તમ ઝડપ 486 કિલોમીટર પ્રતિકલાકની નોંધવામાં આવી છે. સ્વાભાવિક રીતે, પવનપુત્ર હનુમાન આ ઝડપ કરતાં ઘણી વધુ ગતિએ ઉડ્ડયન કરી શકવાને સક્ષમ હોવા જોઇએ! અલબત્ત, વાયુની ઝડપ ઘણા બધા પર્યાવરણીય પરિબળો પર આધાર રાખે છે:
(1) દબાણની માત્રા : પૃથ્વી અથવા એમાંના વાતાવરણનાં કોઇ બે બિંદુ વચ્ચે પ્રવર્તતો હવાનાં દબાણનો તફાવત તેની ઝડપને મહદંશે અસરકર્તા છે. જેમ આ તફાવત ઉંચો એટલી હવાની ઝડપ વધારે! ઉંચા અથવા નીચા દબાણને સમતોલનમાં લાવવા માટે પવન વધુ અથવા ઓછી ઝડપે ફૂંકાવાનું શરૂ થાય છે, જે તેની ગતિનું ભવિષ્ય નક્કી કરે છે.
(2) અવરોધક બળ : ધરતી પરનાં અવરોધકોને કારણે પવનની ગતિ પર અસર થાય છે. જેમકે, ઉંચા બાંધકામો, બિલ્ડીંગ્સ, ઝાડ, પર્વત વગેરે.
(3) સ્થાનિક વાતાવરણની અસર : પવનની વિરૂદ્ધ દિશામાંથી આવી રહેલા હરિકેન, સાયક્લોન કે ચોમાસાને લીધે પણ તેની ગતિમાં ફેરફાર જોવા મળે છે.
(4) કોરિયોલિસ ઇફેક્ટ : પોતાની ભ્રમણકક્ષામાં પૃથ્વીનાં ધરીભ્રમણને લીધે પણ પવનની ગતિ પર અસર થાય છે.
રામાયણ વાંચીએ તો સમજાય કે, હનુમાનનો શારીરિક બાંધો ખૂબ મજબૂત હતો. મજબૂત સ્નાયુ અને ગજબનાક ઉર્જા! એવું પણ નોંધવામાં આવ્યું છે કે હવામાં ઉડ્ડયન માટે તેઓ પગનો ઇસ્તેમાલ કરતા હતાં! તદુપરાંત, એમની પાસે રહેલી સકારાત્મક શક્તિ-ઉપલબ્ધિઓ તો ખરા જ! આના પરથી એટલું તો સ્વીકારી શકાય કે, પૌરાણિક સમયનાં માનવી પાસે હવામાં ઉડી શકવા માટેની કેટલીક ખાસ ટેક્નિક્સ ઉપરાંત શારીરિક કદકાઠી હતાં!