નિતાંતરીત: નીતા દવે
આપણને હંમેશા અજવાસ પ્રત્યે પૂર્વગ્રહ રહ્યો છે. દિવસનો ઉજાસ આપણને એ ગમતીલી બાબત છે. પરંતુ રાત્રીના અંધકાર સાથે એક નકારાત્મક વલણ થી જોડાયેલા છીયે.આપણે અજવાસમાં જીવનારા લોકો છીએ. અહીંયા અજવાસનો અર્થ માત્ર અંજવાળું એવું કરી શકાય. અંધકારથી દૂર રહેનારા અથવા ડરતા લોકો છીએ. કારણ એવું કહી શકાય કે દિવસના અંજવાસમાં બધા જ રંગો સ્પષ્ટ જોઈ શકાય છે.જ્યારે રાત્રિના અંધકારમાં માત્ર કાળાશ પ્રસરાયેલી હોય છે.તો શું એવું કહી શકાય કે કાળાશનું કોઈ સૌંદર્ય નથી..? શું અંધકાર તેજોમય નથી..? જો આ જ સત્ય હોત તો આપણે શિવરાત્રી અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મહાપર્વની ઉજવણી રાત્રે 12:00 વાગ્યા ના સમયે ન કરતા હોત..!!
- Advertisement -
કૃષ્ણત્વનું અવતરણ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી..આઠમની અંધારી રાતે તેજનું પ્રાગટ્ય એટલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી..બંધન મુક્તિ એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી.. અને અંધકાર પણ ઊર્જાવંત હોય શકે તેનું પ્રમાણ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી..! શ્રી કૃષ્ણ તો દેવત્વ નો અવતાર છે.ઉજળા દિવસ નાં તમામ સમય ને ત્યાગી અને રાતે બાર વાગ્યાનાં સમયને પ્રાગટ્ય માટે શા માટે પસંદ કર્યો.? શું યોગ હશે આ સમય માં..કે સ્વયં તેજના ઉદ્દગમ બિંદુ એ અંધારી રાતે પ્રગટ થવાનું નિર્ધારિત કર્યુ હશે.?.અંધકાર હંમેશા કાળો હોતો નથી અને કાળાશ હંમેશા નકારાત્મક પણ નથી હોતી. રાત્રિ નાં અંધારામાંથી એક અવિરત તેજ પ્રગટતું હોય છે.પરંતુ તેને ઝીલવા માટે શુદ્ધ આંતર મન ના દ્વાર ખુલ્લા હોવા જોઈએ.
શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું..આ કવિ શ્રી દયારામ દ્વારા રચિત કાવ્ય પંક્તિ છે.આ કાવ્ય માં તો ગોપીઓ શ્રીક્રુષ્ણ થી રિસાયા હોવાનો રસાસ્વાદ વર્ણવાયેલો છે.પરંતુ આ પંક્તિ જીવન નાં ઘણા સત્યો કહી જાય છે.બધા રંગોમાં શ્યામ રંગ એક એવો રંગ છે કે તેની ઉપર બીજા કોઈ પણ રંગ લાગી શકતા નથી. કાળા રંગ પર કોઈપણ રંગને લગાડો તો દરેક રંગ પોતાનું અસ્તિત્વ એ કાળાશમાં ઓળ ધોળ થઈ અને ગુમાવી દે છે.એવું જ કંઇક કૃષ્ણત્વનું પણ છેજે શ્રી કૃષ્ણના રંગે રંગાય હોય તેની ઉપર દુન્યનવી કોઈ રંગ ચઢી શકતા નથી. ઉદાહરણ જોઈએ તો પણ કેટલાં? નરસિંહ, તુકારામ, કબીર, અખો, જ્ઞાનદેવ,મીરા, કે વૃંદાવન ની અગણિત ગોપીઓ..અને લગભગ સાડા પાંચ હજાર વર્ષ પછી પણ જેનો જન્મ હજુ આજે જ થયો હોય એવા હર્ષોલ્લાસ સાથે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવતા આપણે સૌ …!! કેટલાક તો એવા પણ હશે કે જેને પોતાના સંતાનોના જન્મદિવસ યાદ ન હોય પરંતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આનંદ અને શ્રદ્ધાથી ઉજવતા હશે. શું જાદુગરી હતી એ વ્યક્તિત્વમાં કે, આજે હજારો વર્ષના અંતે પણ સામાન્ય લોકોમાં પણ શ્રી કૃષ્ણ પ્રત્યે નો પ્રેમભાવ જરા સરખો પણ ઓછો થયો નથી.? અને એટલે જ તો કદાચ નરસિંહ મહેતા ગાયું હશે કેહરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે;…અને પ્રેમ ભગ્ન હ્રદયે મીરા બાઈ એ પણ લખ્યું હશે ક્દાચ કે
‘જો મે ઐસા જાણતી પ્રીત કિયે દુ:ખ હોય
નગર નગર ઢિંઢોળા પીટતી પ્રીત ન કીજો કોઈ..’
એમ છતાં પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પારાવાર પીડા આપેછતાં પણ તે જ વ્હાલો લાગે,આ છે પ્રીત ની સાચી રીત…આ શીખવ્યું મીરાબાઈ એ..જે શ્રી કૃષ્ણ નાં થયાં એમણે અત્ર,તત્ર,અને સર્વત્ર બસ કૃષ્ણ ને જ પામ્યા. શ્રીકૃષ્ણ શ્યામ વર્ણધારી હતાં છતાં કામણગારા હતાંમન મોહક દિસતાં શ્રીકૃષ્ણ એ ગોરા રંગ અને સૌંદર્યની વ્યાખ્યા બદલી દીધી.શ્રી કૃષ્ણ એ સાબિત કર્યું કે આકર્ષણ રંગ માં નહિ વ્યવહાર મે હોવું જોઇએ. કાળો રંગ પણ કામણગારો બની શકે. રૂપ ને જોવા ચર્મ ચક્ષુ જોઈએ પણ સ્વરૂપ ને પામવા આત્મચક્ષુની જરૂર પડે.
- Advertisement -
શ્રી કૃષ્ણએ શિખવ્યું કે જો ઉજાસને પામવો હોય તો અંધકારને અંત સુધી ભોગવવો પડે. રાત્રિ નાં છેલ્લા પ્રહર નાં ધેરા અંધારા ને ચીરી ને જ પ્રભાત નું પહેલું કિરણ જન્મ લઇ શકે. પરંતુ આપણા પૂર્વાગ્રહિત વિચારો કાળાશ ની વ્યાખ્યા કંઈક આવી કરે છે…નિરાશા, નિષ્ફળતા, અને અંધકારપરંતુ અંધકાર ના અંતે જ તેજનો ઉદય થાય છે, નિરાશા ની વચ્ચે એક અમરત્વ પામેલી આશા જન્મે છે,અને નિષ્ફળતા જ અનેક તકના દ્વાર ખુલ્લા કરી દેતી હોય છે.દુ:ખ ને પામ્યા પછી સુખ નો સાચો સ્વાદ માણી શકાય છે .આ સત્ય શ્રી ક્રુષ્ણ એ પોતાના જીવન કાળ માં જીવી બતાવ્યું છે. શ્રી કૃષ્ણ નું જીવન ચરિત્ર જોઈએ તો તેના તમામ પ્રસંગોમાં માત્ર અને માત્ર સંઘર્ષ જ જોવા મળશે. બાળપણમાં કરેલી બાળલીલાઓ પણ રાક્ષસો નો વધ કર્યો.સત્ય નાં માર્ગે ચાલી સગા મામાનો વધ કર્યો.કર્તવ્ય નાં પથ પર પ્રેમ નો ત્યાગ કરી સોળ હજાર રાણી વચ્ચે પણ હસતાં મોઢે રાધા નાં વિરહ માં જુરતા રહ્યા.અને છતાં પણ દ્વારિકા નો નાથ એક રાજા તરીકે પણ પૂર્ણતા નાં પદ ને પામ્યા.મહાભારતના યુદ્ધ સમયે ધર્મને અનુસરતા ફૈબા ગાંધારી નાં શ્રાપ તો ભોગ બની જીવનના અંત સમયે યાદવાસ્થલી માં પોતાના સમગ્ર કુળનો અંત થતા પણ જોયો..! શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર નાં કોઈપણ ભાગમાં શ્રી ક્રુષ્ણને રડતા દર્શાવાયા નથી.અધર્મ નાં માર્ગે ચાલી સફળને ચરિતાર્થ કરેલ વર્ણવ્યા નથી. જીવનના દરેક રંગને સત્ય, ધર્મ અને આનંદ ની લહેર સાથે જીવી બતાવનાર શ્રીકૃષ્ણ ભગવાન કરતાં વધારે તો સખા સ્વરૂપ ભાસે છે.આજે પણ જીવનના કોઈપણ સંઘર્ષ નાં સમય માં શ્રીકૃષ્ણ દ્વારા બોલાયેલી શ્રીમદ્ ભગવત ગીતામાંથી જીવન ની તમામ સમસ્યાઓ નિરાકરણ બહુ સહજતાથી મેળવી શકાય છે. જો સાચા અર્થમાં શ્રી કૃષ્ણને જાણવા છે તો શ્યામ રંગ સમીપે જ જાવુંબ્રહ્માંડ નાં જ્યોર્તિમય તેજને જરાક સરીખું પણ પામવું છે તો શ્યામ રંગ સમીપે જ જાવવું..અને આત્મા રૂપી શ્રી કૃષ્ણનો સાક્ષાતકાર કરવો છે તો પણ શ્યામ રંગ સમીપે જ જવું કેમ કે, શ્રી કૃષ્ણનો કોઈ વિકલ્પ હોય શકે તો એ માત્ર ને માત્ર શ્રીકૃષ્ણ જ હોય શકે..!