ત્રંબા પાસેની ગ્લોબલ આર્યુવેદિક કોલેજમાં વિદ્યાર્થીનીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં
કોંગ્રેસનાં પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત સહિતનાનું કોલેજ પર હલ્લાબોલ-વિરોધ પ્રદર્શન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ત્રંબામાં આવેલી ગ્લોબલ આર્યુવેદીક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવજંતુ નિકળતા હોબાળો મચ્યો છે. આ અંગે છાત્રાઓએ કોલેજ મેનેજમેન્ટ હેડ સિદ્ધાર્થ મહેતા અને પ્રિન્સિપાલ સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી તેમ છતાં છેલ્લાં 15 દિવસથી કોઈ જ સુધારો આવ્યો ન હતો. જેથી આ છાત્રાઓએ છેલ્લાં 3 દિવસથી ભોજનનો બહિષ્કાર કર્યો હતો અને બહારથી જમવાનું મગાવીને ખાતી હતી. છાત્રાઓએ કહ્યું હતું કે, અમે અહીં 96 જેટલી વિદ્યાર્થીની રહીએ છીએ, ચાથી લઈને બંને સમયના જમવાની ગુણવત્તા ખુબ નબળી છે. હોસ્ટેલના ભોજનમાં અવાર-નવાર કીડી, મકોડા, વંદા, ઈયળ જેવા જીવજંતુ નીકળે છે.
પરેશાન વિદ્યાર્થીનીઓએ કહ્યું
- Advertisement -
અમે છેલ્લાં ત્રણ દિવસથી બહારથી જમવાનું મંગાવીએ છીએ
વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજનનો બહિષ્કાર
અમે છેલ્લા ત્રણ દિવસથી હોસ્ટેલના ભોજનનો બહિષ્કાર કરીને બહારથી જમવાનું મગાવી રહ્યા છીએ. હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે હોસ્ટેલમાં એક વર્ષની 72000 હજાર ફી ભરી છે. આ અંગે વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમને વિદ્યાર્થિનીઓએ ભોજનમાં જીવાતના ફોટો, વીડિયોના પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. ટ્રસ્ટીઓએ પોતાના બાળકની જેમ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને જમવા આપવું જોઇએ. અમે આ અંગે કલેકટરને પુરાવા સાથે રજૂઆત પણ કરીશું અને જો હોસ્ટેલની જમવાની ગુણવતામાં સુધારો નહિ આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું. આજે રોહિતસિંહ રાજપૂત, અભિરાજ તલાટીયા, જીત સોની, સાર્થક રાઠોડ સહીત વિદ્યાર્થી કાર્યકરો અને 70થી વધુ વિદ્યાર્થીનીએ રજુઆત કરી હતી. તેમજ વિદ્યાર્થી કાર્યકરો અને વિદ્યાર્થીનીઓએ કોલેજ પર હલ્લાબોલ વિરોધ કર્યો હતો.
જીવજંતુ બહારથી ઉડીને થાળીમાં પડ્યા હશે…
ગ્લોબલ આયુર્વેદીક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવજંતુ નીકળ્યાની ગંભીર બાબતે કોલેજનાં સંચાલક સિદ્ધાર્થ મહેતાએ સાવ ઉડાઉ જવાબ આપતાં જણાવ્યું હતું કે, જમવામાં જીવજંતુ નીકળ્યા એ વાતને લઈને વિદ્યાર્થીઓએ મોટો ઈશ્યુ બનાવ્યો છે, પરંતુ ખરેખર ક્યારેક બહારથી ઉડીને જમવામાં જીવજંતુ પડ્યું હોઇ શકે છે. અગાઉ પણ ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હતી ત્યારે પણ અમે કોન્ટ્રાક્ટ બદલી નાખ્યો હતો. આ વખતે પણ કોઈ મોટો પ્રશ્ન નથી.
રસોડાની ચોખ્ખાઇ બાબતે કોલેજ મેનેજમેન્ટે બાહેંધરી આપી
કોલેજની વિદ્યાર્થીનીઓના સતત ત્રણ દિવસના વિરોધ સામે આજે કોલેજ મેનેજમેન્ટ ઝુકી ગયું હતું અને ફરી આવો બનાવ નહીં બને તે બાબતે બાહેંધરી આપી છે. જેમાં કોલેજ મેનેજમેન્ટએ તાત્કાલિક રસોઇનો કોન્ટ્રાક્ટ બદલવા, રસોડાની ચોખ્ખાઇ તેમજ હોસ્ટેલની તમામ સમસ્યા બાબતે નિરાકરણની બાહેંધરી આપી છે.
મહાપાલિકાને ‘ખાસ-ખબર’નો સવાલ
મનપાની ફૂડ શાખાએ તમામ સ્કૂલ-કોલેજોનાં રસોડામાં સઘન ચેકિંગ ન કરવું જોઈએ?
ત્રંબા પાસેની ગ્લોબલ આયુર્વેદીક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લાં કેટલાંય દિવસોથી વિદ્યાર્થીનીઓને ભોજનમાં જીવજંતુ, ઈયળ, માખી, મચ્છરો નીકળતાં હોવાના મામલે હોબાળો મચી ગયો છે ત્યારે ‘ખાસ-ખબર’ દૈનિક રાજકોટ મહાપાલિકાનાં સત્તાધીશોને એવો સવાલ પૂછવા માંગે છે કે, રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટલ, નાસ્તાની લારીઓ પર ફૂડ ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ શહેરમાં હોસ્ટેલ, ડે સ્કૂલ સહિતની શાળાઓમાં કે જ્યાં રોજબરોજ વિદ્યાર્થીઓ માટે જમવાનું બનાવવામાં આવતું હોય ત્યાં કેમ ચેકિંગ કરવામાં આવતું નથી? ડે સ્કૂલ અને હોસ્ટેલનાં નામે મસમોટી ફી વસૂલ કરતી શાળાઓ વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહી છે. મનપાની ફૂડ શાખાએ ખરેખર ત્યાં પણ કડક હાથે ચેકિંગ કરી યોગ્ય પગલાં ભરવા જરૂરી બન્યા છે.