રાજકોટ ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહોત્સવની ઉજવણી કરાઈ
150થી વધુ છાત્રોએ સંસ્કૃતમાં ગીતાના શ્ર્લોકનું કર્યું પઠન : સમગ્ર વાતાવરણ દિવ્યમય બન્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે મેયર નયના પેઢડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલની અધ્યક્ષતામાં ભગવત ગીતાનું પૂજન, શ્લોકન તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શની, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
હિમાંજય પાલીવાલે વિસરાતી જતી સંસ્કૃત ભાષાની પુન: જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે તેના માટે આભારની લાગણી વ્યક્ત કરી સંસ્કૃત ભાષા અને ગીતાનું મહત્વ સમજાવ્યું હતું.
જ્યારે ભારતીય સંસ્કૃતિના ભાગ તેવા યોગ અને આર્યુવેદને વિશ્વએ સ્વીકાર્યું છે ત્યારે, ગીતા અને સંસ્કૃતના માધ્યમથી ભારત સમગ્ર વિશ્વને નવો રાહ દર્શાવી વિશ્વગુરુ બનવા જઈ રહ્યું હોવાનું તેમણે આનંદ સાથે જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઓમ નાદ બ્રહ્મ, ગીતાના શ્લોકના પઠન, શિવ તાંડવ, કાલભૈરવમ સ્તુતિ, મહાભારતના યુદ્ધ પૂર્વેના શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રજૂ કર્યા હતા. આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રોફેસર જગતભાઈ તેરૈયા, નિત્ય નિષ્ઠાનંદ સ્વામીજીએ ભગવત ગીતાનાં કર્તવ્ય, બોધ ગુણોને આચરણ સાથે જીવનમાં ઉતારવા સમજાવ્યું હતું.



