ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગિરનાર પર્વત અને દાતારના પહાડો પર પણ અનરાધાર વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ગિરનાર રોપ-વે સેવા સતત ત્રીજા દિવસે બંધ રાખવાની ફરજ પડી છે.
ભારે વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ ખૂબ તેજ હોવાથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપ-વે ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે રોપ-વેના સંચાલનમાં જોખમ રહેલું છે. રોપ-વે સેવા બંધ રહેતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય રીતે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં રોપ-વેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સુરક્ષાના કારણોસર આ સેવા અટકાવી દેવામાં આવી છે. જ્યાં સુધી હવામાન સામાન્ય ન થાય અને પવનની ગતિ ઘટે નહીં, ત્યાં સુધી રોપ-વે સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે.