આગામી ગિરનાર લીલી પરિક્રમા અનુલક્ષીને સંતો, ઉતારા મંડળ સાથે તંત્રની બેઠક
પ્લાસ્ટિક મુક્ત ગિરનારએ બાબતે વહીવટી તંત્ર સામે પડકાર
- Advertisement -
અન્નક્ષેત્રને સોગંદનામોનો નિયમનો વિરોધ થતા રદ કરવો પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
આગામી 12મી નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધા જળવાઈ રહે તે માટે સાધુ સંતો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ જિલ્લા વહીવટી તંત્ર સાથે મિટિંગમાં સંવાદ કર્યો હતો જેમાં ગિરનારની પરિક્રમામાં યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તેમ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું. તથા પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમાની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્રએ પૂર્ણ કરી છે.
જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બેઠક મળી હતી જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો તેમજ અન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ એ યાત્રાળુ માટે જરૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ સ્વચ્છ રહે રૂટ ઉપર ક્યાંય કચરો ન થાય તેમજ અન્ય ક્ષેત્રો દ્વારા ગંદકી કરવામાં ન આવે અને તે માટેની વ્યવસ્થામાં તંત્રને સહયોગ આપવામાં આવે તે માટે કલેક્ટરે અનુરોધ કર્યો હતો અને સ્વચ્છતાની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે તેમ પણ કલેકટરે જણાવ્યું હતું. અન્નક્ષેત્રો સહિતના સંસ્થાઓએ પરિક્રમામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જન જાગૃતિ અને સંસ્થાઓ દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
- Advertisement -
ગિરનારની પરિક્રમા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત કર્મચારી અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે.પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને વન વિભાગ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત અને માર્ગો મરામત અને અન્ય સુવિધાઓ ની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયા અને મહંત ઈન્દ્રભારતી બાપુ દ્વારા યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમાના રૂટ પર જ પરિક્રમા કરે અને યાત્રાળુઓ સહેલાઈથી પરીક્રમાં પૂર્ણ કરે તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ મિટિંગમાં સંતો મહંતો ઉપરાંત અગ્રણીઓ યોગેન્દ્રસીંહ પઢિયાર, બટુકભાઈ મકવાણા, ભાવેશભાઈ વેકરીયા, ખોડીયાર રાસ મંડળના પ્રમુખ જાદવભાઈ કાકડીયા તેમજ અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ અધિકારીઓમાં નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, અધિક કલેક્ટર એન.એફ ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યએ સરકારી ગાડીનો દુરઉપયોગ ન કરવા તાકીદ
ધારાસભ્ય સંજય કોરડીયાએ પરિક્રમા રૂટમાં સરકારી ગાડીઓ દુરઉપયોગ ન થાય તેની તકેદારી રાખવા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. શિવરાત્રીના મેળામાં અને પરિક્રમા દરમિયાન અધિકારીઓની ગાડીઓના ફેરા કરવામાં આવે છે. આવી સ્થિતિના કારણે લોકો ગાળો કાઢે છે પરિક્રમામાં સરકારી ગાડીઓના દુરઉપયોગથી અવ્યવસ્થા સર્જાઇ છે અને લોકોને પણ મુશ્કેલી પડે છે.
ગિરનાર પરિક્રમા વ્હેલી શરૂ નહીં થાય તેવો નિર્ણય
લીલી પરિક્રમા તેના નિયત સમય કરતા અગાઉ શરૂ કરી દેવામાં આવે છે જેના કારણે ધાર્મિક મહત્વ જળવાતુ નથી. બેઠકમાં સૌ આગેવાનો અને સંતોએ તથા તંત્રએ પણ નિર્ણય કર્યો છે કે, કોઇપણ સંજોગોમાં આ વખતે ગિરનારની લીલી પરિક્રમા તેના નિર્ધારીત સમય કરતા અગાઉ શરૂ કરવામાં નહીં આવે તા.12 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન જ પરિક્રમા યોજાશે.