વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો
પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં પડેલા કમોસમી અને અનરાધાર વરસાદના પગલે પરિક્રમાના સમગ્ર રૂટ પર માઠી અસર થતાં વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
પરિક્રમાનો માર્ગ ધોવાયો
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો છે. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે.

- Advertisement -
સાધુ-સંતોની સંમતિથી લેવાયો નિર્ણય
લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓના જીવનું જોખમ લેવું યોગ્ય નથી.
પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે
નોંધનીય છે કે, પરિક્રમા સ્થગિત થવા છતાં, સનાતન ધર્મની પરંપરા અને ધાર્મિક વિધિ જાળવી રાખવા માટે સાધુ-સંતો દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મ પરિક્રમા કરવામાં આવશે. જે માટે પહેલી નવેમ્બરનનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. પહેલી તારીખે મુહૂર્ત કર્યા બાદ બીજી નવેમ્બર ગિરનારના સાધુ-સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે, જેથી પરંપરાનો લોપ ન થાય. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન યોજાતી આ પરિક્રમામાં લાખો ભક્તો ગિરનારની આસપાસના જંગલોમાં પરિક્રમા કરતા હોય છે. જોકે, આ વર્ષે તંત્રના આ નિર્ણયને પગલે દૂર-દૂરથી આવનારા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે. તંત્ર દ્વારા આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી ભક્તોને ગિરનાર તરફ પ્રયાણ ન કરવા વિનંતી કરવામાં આવી છે.




 
                                 
                              
        

 
         
        