ડિસેમ્બર મહિનાના અંતમાં સોરઠમાં ઠંડીનું જોર ફરીથી વધશે
ઠાર વધતા જૂનાગઢમાં ભેજનું પ્રમાણ 81%
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રદેશભરમાં તીવ્ર ઠંડીનું આક્રમણ થયું છે. શુક્રવારે લઘુતમ તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો થતાં સમગ્ર વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો હતો. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ઠંડીએ તેનો પ્રભાવ બતાવ્યો હતો, જ્યાં તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો હતો.
સોરઠનું સૌથી ઊંચું શિખર ગિરનાર પર્વત આ વર્ષે વહેલી ઠંડીનો અનુભવ કરી રહ્યો છે. શુક્રવારે સવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. ગયા વર્ષની સરખામણી કરીએ તો, ગત વર્ષે 24 ડિસેમ્બરે ગિરનાર પર લઘુતમ તાપમાન 6.7 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ વર્ષે, ગયા વર્ષ કરતાં 12 દિવસ વહેલી ગિરનાર પર 6.3 ડિગ્રી ઠંડી નોંધાતા, સમગ્ર પર્વતીય વિસ્તારમાં જાણે કાશ્મીરી વાતાવરણ છવાઈ ગયું હતું. આટલી વહેલી સવારે હાડ થીજાવતી ઠંડીને કારણે ગિરનારના પરિક્રમા રૂટ અને ભવનાથ તળેટીમાં વહેલી સવારે અવરજવર કરતા લોકોને ભારે ઠારનો સામનો કરવો પડ્યો હતો.
ગિરનારની જેમ ભવનાથ તળેટી વિસ્તારમાં પણ ઠંડીનું જોર વધ્યું હતું. ભવનાથ તળેટીમાં પારો ગગડીને 9 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયો હતો. જ્યારે જૂનાગઢ શહેરની વાત કરીએ તો, શહેરનું સત્તાવાર લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં 1 ડિગ્રી ઠંડી વધવા ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઊંચું રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધીને 81 ટકા થઈ જતાં, ભેજ અને ઠંડીનું મિશ્રણ થવાથી ઠારનું આક્રમણ જોવા મળ્યું હતું અને સમગ્ર શહેરમાં ટાઢોડું છવાઈ ગયું હતું. ઠંડીના જોરને કારણે સવારના સમયે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન પણ ગરમાવો મેળવવા તાપણાનો સહારો લેતા નજરે પડ્યા હતા. સવારથી જ પવનની ગતિ પ્રતિ કલાક 2.1 કિલોમીટરની આસપાસ રહેવાથી ઠંડીનું જોર વધ્યું હતું. આ ઠંડીની અસર માત્ર સવાર પૂરતી સીમિત ન રહેતા, બપોરના મહત્તમ તાપમાન પર પણ જોવા મળી હતી. શુક્રવારે મહત્તમ તાપમાન ઘટીને 31.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા જેટલું નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાના પરિણામે બપોર પછી પણ એકંદરે ઠંડકનું વાતાવરણ જળવાઈ રહ્યું હતું, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ, હાલ છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન ઓછું રહ્યું છે, પરંતુ બીજી તરફ મહત્તમ તાપમાન પ્રમાણમાં વધુ હોવાથી સવારના સમયે ઠંડીનો ઓછો અહેસાસ થાય છે.
જોકે, આગામી દિવસોમાં મહત્તમ તાપમાન વધીને 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે દિવસ દરમિયાન ફરી ગરમીનો અનુભવ થઈ શકે છે. તેમ છતાં, હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે, ડિસેમ્બર મહિનાના અંતમાં સોરઠમાં ઠંડીનું જોર ફરીથી વધશે અને લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, જેનાથી લોકોને આ વર્ષની સૌથી વધુ ઠંડીનો અનુભવ થશે. સતત ઘટતા તાપમાન અને ઠારના આક્રમણને જોતા સ્થાનિકો અને ખાસ કરીને વૃદ્ધો તથા બાળકોએ ઠંડીથી બચવા માટે વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે.



