શિયાળો જામ્યો
સોરઠમાં પશુ, પક્ષી, યાત્રિકો ઠુંઠવાયા: પર્વત હિમાલય જેવો બન્યો: રાજકોટમાં 10.5, નલિયામાં 10, ભૂજ 10.9 ડિગ્રી: સુરેન્દ્રનગરમાં 12, જામનગર 13, અમરેલી 13.2 ડિગ્રી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર-કચ્છ જાન્યુઆરી માસમાં પ્રથમ સપ્તાહમાં શિયાળાની ઋતુએ પોતાનો અસલી મીજાજ બતાવતા કાતીલ ઠંડીનું મોજુ ફરી વળતા પશુ પક્ષી પ્રાણીઓ સાથે માનવ જીવન પર અસર જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં હવાના ભેજમાં વધારા સાથે વહેલી પરોઢ અને રાતે ઠંડીનું જોર વધતા ઠેર ઠેર સ્થળોએ તાપણા શરૂ થયા છે. જનજીવન ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ ગયું છે.
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ ગત ડિસેમ્બર માસમાં ઠંડીના પ્રમાણમાં ચઢાવ ઉતાર બાદ જાન્યુઆરી માસના પ્રારંભિક દિવસોમાં પારો નીચે ઉતરતા ઠંડીનું મોજુ સર્વત્ર પ્રસરી ગયું છે. સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં શિયાળાની ઋતુમાં ઠંડીએ જોર પકડતા જનજીવન પર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગિરનાર પર્વત ઉપર ચાલુ સીઝનમાં સૌ પ્રથમવાર 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાયેલ ન્યુનતમ તાપમાનમાં નલીયા 10, કંડલા 13.6, ઓખા 19, ભુજ 10.9, દ્વારકા 16.4, અમરેલી 13.2, ભાવનગર 15.2, પોરબંદર 13, રાજકોટ 10.5, સુરેન્દ્રનગર 12, વેરાવળ 15.9, જુનાગઢ ગીરનાર પર્વત 4.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જયારે ગુજરાતમાં ગાંધીનગર 12.5, અમદાવાદ 14.3, બરોડા 14.4, સુરત 16.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર કચ્છઉમાં શિયાળો જામતા વહેલી સવારે અને રાત્રીના શહેરી વિસ્તારો અને હાઈવે માર્ગોમાં ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજકોટ શહેરમાં ચાલુ સીઝનમાં ઠંડીનું જોર વધતા જનતા ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ ગયા છે.
વર્ષ 2024ની શરૂઆતના પ્રથમ દિવસેથી જ ઠંડીનો પારો નીચે ગગડી જતા સોરઠ આખુ ઠંડીમાં ઠુંઠવાઈ જવા પામી રહ્યું છે. ગઈકાલે અને આજે ઠંડીમાં વધુ વધારો થવા પામતા પારો 4.5 ડીગ્રીથી નીચે આવી જતા જુનાગઢ પર્વત હીમાલય સીમલા થઈ ગયો હોય તેવો અહેસાસ સહેલાણીઓ પ્રવાસીઓ તેમજ ગીરનારના પગથીયા ચડી ઉતરતા લોકોને થઈ રહ્યો છે. જુનાગઢ સકકરબાગ ઝુમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા હીટર બલ્બ નેટ કંતાનો પેક કરવામાં આવી રહ્યા છે.
કાર્તિક માગસર માસમાં ઠંડીની રાહ જોયા બાદ ઈ.સ. 2024ના પ્રથમ દિવસથી શિયાળાએ મીજાજ બદલી નાખી રોજબરોજ પારો નીચે ઉતરી રહ્યો છે. આજે વર્ષનો સૌથી વધુ ઠંડીનો દિવસ 4.5 ડીગ્રીએ પારો લઘુતમ તાપમાન નીચે જવા પામ્યું હતું સાથે ધુમ્મસ જેવા વાતાવરણથી સીમલા કુલુ મનાલી જેવો અહેસાસ થઈ રહ્યો છે.
સમી સાંજમાં સ્વયંભૂ કરર્ફયુ જોવા મળી રહ્યો છે. ખુલ્લા વાહનો મોટર સાયકલો છકડો રીક્ષામાં નીકલતા લોકો ઠુંઠવાઈ જવા પામતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે દૂધ ભરતા મોટર સાયકલ ચાલકો પેપર પહોંચાડનાર પેપરના ફેરીયાઓ શાકભાજી લેવા જતા સિવાયના લોકો ઘરમાંથી નીકળવાનું માંડી વાળતા રોડ ખાલીખમ જોવા મળી રહ્યો છે.