વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રીતે આશ્રય આપવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
વેરાવળ રેલ્વે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી માહિતી આપવામાં આવી હતી કે, રેલ્વે સ્ટેશનના કેમ્પસ વિસ્તારમાં એક અજાણી યુવતી લાંબા સમયથી બેઠી છે અને પૂછપરછ દરમિયાન કોઈ માહિતી આપતી નથી. યુવતીની સુરક્ષા અંગે ચિંતિત થઈ 181 ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.
- Advertisement -
181 મહિલા હેલ્પલાઇન અભયમના ફરજ પરના કાઉન્સેલર દાફડા અંજના, કોન્સ્ટેબલ સોલંકી ધારાબેન તથા પાયલોટ સહિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવતીનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, તે નવસારી જિલ્લાના નિવાસી છે અને ઈન્સ્ટાગ્રામ મારફતે બે પુરુષ મિત્રો સાથે સતત વિડિઓ કોલ અને ચેટ દ્વારા વાતચીત ચાલુ હતી અને લગ્ન સુધીની વાતો થઈ ગઈ હતી.
આ બાબત યુવતીની માતાને જાણ થતાં તેમણે યુવતીને ઠપકો આપ્યો અને ઈન્સ્ટાગ્રામ પરની વાતચીત બંધ કરવાની સૂચના આપી હતી. રોષમાં આવી યુવતી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ અને ટ્રેન દ્વારા સોમનાથ મંદિર પહોંચી ગઈ હતી. પોતાના માતા-પિતાના ડરથી યુવતી ઘરે પરત જવા ઇચ્છતી નહોતી. 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા યુવતીને યોગ્ય સમજણ આપી અને તેમની સુરક્ષા અંગે વિશ્વાસ અપાવ્યો હતો. યુવતીને 181 મહિલા હેલ્પલાઇન તથા મહિલાઓ માટે ચાલતા વિવિધ સેન્ટરો અંગે માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર આપ્યો જેના આધારે યુવતીના પિતા અને બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરીને યુવતીની જાણ કરી હતી. હાલ યુવતીને સુરક્ષા અને આશ્રયની જરૂર જણાતા, તેમને સખી વન સ્ટોપ સેન્ટર, વેરાવળ ખાતે સુરક્ષિત રીતે આશ્રય આપવામાં આવ્યો છે.