છરી વડે હુમલો કરનાર બે આરોપીઓ ઝડપાયા, ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી શહેરમાં પ્રેમસંબંધના કારણે એક યુવતી પર છરી વડે જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના ભાવિકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય હેતલબેન પર બે યુવકોએ છરી વડે હુમલો કરતા યુવતીના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અમરેલી સિટી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદના આધારે બંને આરોપીઓ વિપુલ ધુંધળવા અને આકાશ આવટેને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળ, ભાવિકા ભવાની મંદિર ખાતે લઈ જઈને ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, આરોપીઓએ ફેંકી દીધેલા મોબાઈલ સિમ કાર્ડની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, બંને આરોપીઓએ સ્થાનિક લોકો સમક્ષ હાથ જોડીને માફી માંગી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી વિપુલ ધુંધળવાને યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા વિપુલ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.