સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાંભણીયા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત નવા ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટે સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમ અને બોર રિચાર્જ બનાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે. ટ્રસ્ટ દ્વારા હાલના ચેકડેમોનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. તેમજ તેને વધુ ઊંડા અને ઊંચા બનાવવામાં આવ્યા છે. આના કારણે વરસાદી પાણીનો વધુ જથ્થો સંગ્રહ થઈ શકશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ સંરક્ષણ અભિયાનને અનુસરીને, ટ્રસ્ટે કુકાવાવ તાલુકામાં વિશાળ સ્તરે કામગીરી શરૂ કરી છે. સરપંચ લાલજીભાઈ ભુવાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગામલોકોના સહયોગ અને ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ સખીયા તથા તેમની ટીમના પ્રયત્નોથી સફળ થયો છે.
આ પ્રસંગે ધારાસભ્ય વિપુલભાઈ વસાણી, માજી પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, મહામંત્રી પી.વી.વસાણી સહિત અનેક આગેવાનો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ચેકડેમથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળશે અને ભૂગર્ભ જળસ્તર સુધારવામાં મદદ મળશે.



