ખેડૂતો અને ગ્રામજનોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
ખેતવિષયક પ્રવૃત્તિઓ વિશે કોઈ જ પ્રકારની રોકટોક નથી: નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.15
ગીર રક્ષિત વિસ્તારના ઈકો સેન્સેટીવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર અને મદદનીશ વન સંરક્ષક વિકાસ યાદવની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વ્યાપક સમજૂતી આપવામાં આવી હતી.
કલેક્ટરએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગીર સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ગીર એ એશિયાઈ સિંહોનું રહેઠાણ છે અને અતિ મહત્વના રક્ષિત વિસ્તાર તરીકે ઓળખ ધરાવે છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણમાં સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ હંમેશા મળતો આવ્યો છે. નિયમોનુસાર તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા ગીર રક્ષિત વિસ્તારના ઈકો સેન્સેટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અનુસાર ઈકો સેન્સેટીવ ઝોનની હદ 2.78 કિ.મીથી 9.50 કિ.મી સુધીની છે. જે હાલના સરેરાશ 10 કિ.મીથી ઓછી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હયાત ગામતળ અથવા તો ભવિષ્યમાં નવું નીમ થનારા ગામતળમાં કોઈપણ વ્યક્તિગત, સામૂહિક કે સરકારી પ્રવૃત્તિઓ જેવી કે, દવાખાના, આંગણવાડી, શાળા-પંચાયત કે કચેરી વગેરે માટે વનવિભાગની મંજૂરીની જરૂર નથી. જેથી ખેડૂતો અથવા ગ્રામજનોએ સાચી હકીકતથી વાકેફ થવું અને ગેરમાર્ગે દોરાવું નહીં.
નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે ખેડૂતો તેમજ ખેતપ્રવૃત્તિને લગતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સિટીવ ઝોન અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં ખેતી કરવા તેમજ રાત્રિ-દિવસ દરમિયાન ટ્રેક્ટર ચલાવવા, કૂવો ખોદવા, વીજ કનેક્શન લેવા, સિંચાઈ પદ્ધતિથી રાત-દિવસ ખેતી કરવા, ખેતરમાં 24 કલાક અવર-જવર, ગામ-ખેતર જવાના જાહેર રસ્તાનો કોઈપણ સમયે ઉપયોગ અને સમારકામ, ખેતરમાં મકાન/ગોડાઉન બાંધવા, ખેતર ફરતે વંડી કરવા, કોઈપણ પ્રકારનો પાક ઉગાડવા વગેરે જેવી ખેતીને લગતી પ્રવૃત્તિઓ અંગે કોઈ રોકટોક નથી. પશુપાલન પ્રવૃત્તિ અન્વયે પોતાના ખેતરમાં કે ગામ વિસ્તારમાં તબેલો કે ગૌશાળા બનાવવા વન વિભાગની મંજૂરીની જરૂર નથી.