કર્મચારીઓ તથા પેન્શનરોનું ડીએ 38 ટકા થશે: આગામી સમયમાં સરકાર જુલાઈથી ઓક્ટોબર માસનું એરિયર્સ પણ આપશે
ગુજરાતમાં હાલમાં જ રાજ્ય સરકારે સીએનજી અને પીએનજીમાં વેટ ઘટાડાથી લોકોને સસ્તો ગેસ આપવાનો તથા દર વર્ષે બે એલપીજી સીલીન્ડર ફ્રી આપવાની કરેલી જાહેરાત બાદ હવે ચૂંટણી શેડ્યુલની જાહેરાત પૂર્વે વધુ એક ભેટ આપી શકે છે.
- Advertisement -
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરી શકે છે. રાજ્ય સરકારે 16 ઓગસ્ટના રોજ કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો જાહેર કર્યો હતો અને તેની અસર 1 જાન્યુઆરી-2022થી આપવામાં આવી હતી.
હવે કેન્દ્ર સરકારે હાલમાં જ તેના કર્મચારીઓને 4 ટકાનો મોંઘવારી ભથ્થો આપ્યો છે તેને અનુસરીને ગુજરાત સરકાર પણ જુલાઈથી ડીસેમ્બરનાં સમયગાળા માટે 4 ટકાનું મોંઘવારી ભથ્થા વધારો જાહેર કરે તેવી શક્યતા છે જેનો લાભ રાજ્યના 9.38 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે અને તે દિપાવલી બાદ ચૂકવાઈ જશે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ ગુજરાત સરકારે જુલાઈ અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બરના પગારમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના મોંઘવારી ભથ્થા વધારાની અસર આપી છે અને તેનો લાભ કર્મચારીઓને મળી રહ્યો છે. હવે આ નવો વધારો દિપાવલી બાદ મળશે. જેના કારણે રાજ્યના કર્મચારીઓ માટે એક રાહતભર્યા સમાચાર આવી જશે.