દિલ્હીની સરકારી શાળાનાં વાઇસ પ્રિન્સિપાલ ભારતી કાલરાનું અભિયાન રંગ લાવ્યું
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
ભારતી કાલરાની આ પ્રેરણાદાયી પહેલની નોંધ દિલ્હી સરકારે પણ લીધી અને ગત તા. 5 સપ્ટેમ્બર 2021નાં રોજ તેમને ‘સ્ટેટ ટીચર એવોર્ડ-2021’માં સ્પેશ્યલ એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા હતાં.
આજથી દોઢ વર્ષ પહેલાંની આ વાત છે. કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું અને શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલતું હતું. દિલ્હીની એક સરકારી શાળામાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા ભારતી કાલરા ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓની વધુ પડતી ગેરહાજરીને કારણે વ્યથિત હતા. માંડ 25% વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ભરતા હતા. સરકારી શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના માતા-પિતા પૈકી મોટા ભાગના નબળી આર્થિક સ્થિતિને કારણે બાળકોને સ્માર્ટફોન અપાવી શકે તેમ નહોતા અને એટલે વિદ્યાર્થીઓ પણ ક્લાસ એટેન્ડ કરી શકતા ન હતા.
- Advertisement -
બારમા ધોરણમાં અભ્યાસ કરતો એક હોશિયાર છોકરો અને 10માં ધોરણમાં અભ્યાસ કરતી એની બેન ઓનલાઈન ક્લાસમાં ક્યારેય હાજર ન હોય એટલે ભારતી કાલરાએ એ છોકરાને મળવા બોલાવ્યો અને ક્લાસ ન ભરવાનું કારણ પૂછ્યું. છોકરાએ કહ્યું, ‘મેમ, ભણ્યા વગર તો મારાથી પણ નથી રહેવાતું પરંતુ ઘરે સ્માર્ટફોન નથી તો ક્લાસ કેવી રીતે ભરવા. થોડા દિવસ પહેલા મારા પપ્પાનું પણ અવસાન થયું છે એટલે હવે તો મોબાઈલ લઇ શકાય તેમ જ નથી આથી મને ઈચ્છા હોવા છતાં ક્લાસ તો નહીં ભરી શકું.”
પોતાના વિદ્યાર્થીની પરિસ્થિતિની આ વાત સાંભળ્યા પછી ભારતી કાલરાને તે રાતે ઊંઘ ન આવી. એવા કેટલાય વિદ્યાર્થીઓ હશે જે પરિવારની પરિસ્થિતિને કારણે મોબાઈલ નહીં લઇ શકતા હોય અને ક્લાસ નહીં ભરી શકતા હોય! આવા વિદ્યાર્થીઓને જો મોબાઈલ મળી જાય તો એના અભ્યાસમાં અડચણ ઉભી ન થાય. ભારતી કાલરાએ નક્કી કર્યું કે પોતે જેટલા વિદ્યાર્થીઓને મોબાઈલ અપાવી શકશે એટલાને મોબાઈલ અપાવીને એનો અટકેલો અભ્યાસ આગળ વધારાવશે.
- Advertisement -
બીજા જ દિવસે પોતાની અંગત બચતમાંથી 8500ની કિંમતનો સારો સ્માર્ટફોન ખરીદીને પેલા વિદ્યાર્થીને આપ્યો જેથી એ અને એની બેન ઓનલાઈન ક્લાસ ભરી શકે. બીજા કેટલાક વિદ્યાર્થીઓને પણ મોબાઈલ અપાવ્યા પણ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી મોટી હતી કે એકલા હાથે બધાની જરૂરિયાત પૂરી થઈ શકે તેમ નહોતી. પોતાની શાળાના ગરીબ વિદ્યાર્થીઓને મોબાઈલ અપાવવા એણે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા એક અભિયાન શરૂ કર્યું. લોકોએ રોકડ રકમ નહીં પણ જે આર્થિક રીતે સક્ષમ છે એ વિદ્યાર્થી માટે મોબાઈલ ખરીદીને આપે.
ભારતી કાલરાનું આ અભિયાન રંગ લાવ્યું. કેટલાય લોકો અને સંસ્થાઓ આ અભિયાનમાં જોડાયા અને કૂલ મળીને 27 લાખથી પણ વધુ રકમના 320 કરતા વધુ મોબાઈલ એમણે શાળાના વિદ્યાર્થીઓને ભેટ અપાવ્યા.
શુદ્ધ હૃદયથી અને નિસ્વાર્થભાવથી કોઈ કામ કરવામાં આવે ત્યારે અશક્ય લાગતું કામ પણ શક્ય બનતું હોય છે.