પ્રાત: વિશેષ શ્રૃંગાર કરાયો,મંદિરના દ્વાર ખુલતા 4 કલાકમાં અંદાજે 15 હજાર ભક્તો ઉમટી પડ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
હરિ અને હરની ભૂમિથી વિશ્વ પ્રસિદ્ધ પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. આજે યોગાનુયોગ શ્રાવણનો બીજો સોમવાર અને અગીયારસ એક સાથે હોય,ભક્તો આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ચરણોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
- Advertisement -
દુર દુરથી પગપાળા ચાલતા યાત્રિકોના હર હર મહાદેવના નાદથી સોમનાથના રસ્તા દિવ્ય બન્યા હતા. આજે પ્રાત: શ્રૃંગારમાં સોમનાથ મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબરનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.સાથે જ ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહાર સાથે અલૌકિક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જે દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.એક અંદાજ પ્રમાણે સવારે 4 વાગ્યે થી 8 વાગ્યા સુધી એટલે ચાર કલાકમાં 15 હજારથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા.પ્રાત: આરતી સમયે ભક્તોનો માનવમહેરામણ અને રત્નાકર સમુદ્ર શિવ ભક્તિમાં લીન બન્યા હતા.સવારે વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.