1985ની શેન્ઝન સમજૂતીની વિરુદ્ધ જઈ 9 દેશો સાથેની તેની 3,700 કિમી લાંબી સરહદો સીલ કરી દીધી
ખાસ-ખબર ન્યૂઝ જર્મની, તા.13
જર્મનીએ આશ્રય મેળવવાના નામે મુસ્લિમ દેશોના ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જર્મનીએ 1985ની શેંગેન સમજૂતીની વિરુદ્ધ જઈ નવ દેશો સાથેની તેની 3,700 કિમી લાંબી સરહદો સીલ કરી દીધી છે. જર્મનીએ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 32 હજાર મુસ્લિમ ઘૂસણખોરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2023માં 15,800 ઘૂસણખોરોને પકડ્યા હતા. જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝે ઘૂસણખોરોની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત 300થી વધુ અફઘાન ઘૂસણખોરોને દેશનિકાલ કરાયા છે. 2021 પછી જર્મનીમાં આ પ્રથમ વખત છે જ્યારે દેશનિકાલ કાયદા હેઠળ આશ્રય મેળવવાના નામે આવેલા ઘૂસણખોરો સામે કાર્યવાહી કરાઈ છે. જર્મનીમાં કડકાઈનું મુખ્ય કારણ સીરિયા, તૂર્કિયે અને અફઘાનના ઘૂસણખોરોની ગુનાખોરીમાં સંડોવણી છે. ઓગસ્ટમાં છરાબાજીની ઘટનામાં 3 લોકોનાં મોત થયાં હતાં. નોંધનીય છે કે શેંગેન કરાર હેઠળ યુરોપના 29 દેશોમાં સરહદો ખુલ્લી રાખવાનો કરાર છે પરંતુ ઘૂસણખોરીની વધતી ઘટનાઓને કારણે જર્મનીએ આ પગલું ભર્યું છે. જર્મનીમાં કટ્ટરપંથી એએફડી પાર્ટી આશ્રય માગનાર ઘૂસણખોરોની વધતી ઘટનાઓના વિરોધમાં તેના એજન્ડા સાથે લોકપ્રિયતા મેળવી રહી છે. જર્મનીના એક પ્રાંતમાં ગયા અઠવાડિયે યોજાયેલી ચૂંટણીમાં એએફડી પાર્ટીએ જીત મેળવી હતી.
- Advertisement -
જર્મનીમાં બીજા વિશ્ર્વયુદ્ધ પછી આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ કટ્ટરપંથી પક્ષે કોઈ પ્રાંત જીત્યો હોય. ચાન્સેલરે પણ આશ્રય મેળવવાના નામે ઘૂસણખોરીના મુદ્દા પર કાર્યવાહી કરીને એએફડી પાર્ટીના વિકાસને રોકવા માટેની વ્યૂહરચના પર કામ શરૂ કર્યું છે. જર્મનીમાં છેલ્લાં 2 વર્ષ દરમિયાન યુક્રેનથી 10 લાખ શરણાર્થી આવ્યા. જર્મનીની લગભગ સાઢા આઠ કરોડની વસ્તીનો જનસંખ્યા વૃદ્ધિ દર એટલી નથી, જેટલી સંખ્યામાં દર વર્ષે શરણાર્થીઓ આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે યુક્રેનથી આવતાં શરણાર્થીઓને સરકાર ભોજન અને આવાસની સુવિધા આપે છે. જર્મનીએ ફ્રાન્સ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, બેલ્જિયમ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, સ્વિટ્ઝર્લેન્ડ અને પોલેન્ડ સાથેની તેની સરહદો સીલ કરવાની જાહેરાત કરી છે. તેના જવાબમાં હવે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા પણ અન્ય દેશો સાથેની તેની સરહદો સીલ કરશે. પોલેન્ડે સરહદો સીલ કરવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. જર્મનીમાં ઘૂસણખોરી કેમ… આશ્રય અરજીના નિકાલ સુધી રહેવાનો અધિકાર મળે છે ; જર્મન કાયદા અનુસાર ઘૂસણખોરો અહીં આશ્રય માટે અરજી કરે છે. અરજીઓના નિકાલ માટે અલગ કોર્ટ છે. જ્યાં સુધી કેસ પેન્ડિંગ હોય ત્યાં સુધી અરજદાર ત્યાં રહી શકે છે. સરકાર વ્યક્તિને આ સમયગાળા માટે કામ કરવાનો અને જીવવાનો અધિકાર આપે છે. સામે આવ્યું છે કે લોકો 5-5 વર્ષ માટે આશ્રય અરજીકર્તા તરીકે જર્મનીમાં રહે છે.