ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જનરલ ઓબ્ઝર્વર સી.સુદર્શન રેડ્ડી, આશિષકુમાર અને બુદ્ધેશકુમાર વૈદ્ય, ખર્ચ ઓબ્ઝર્વર પિયુષ ભારદ્વાજ તથા રવિકાંત અને પોલીસ ઓબ્ઝર્વર સૌમ્યા સાંબાસિવન સમક્ષ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પરની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. ઉપરાંત ચૂંટણી સંબંધી કામગીરીમાં રોકાયેલા 18 જેટલા નોડલ ઓફિસરઓ પણ આ સંદર્ભે વિગતો રજૂ કરી હતી. તેના અંતે સંબંધિત ઉકત નિરીક્ષકશ્રીએ દિશા સૂચક માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં સ્ટાફ ડેટાબેઝ, ઇવીએમ મુવમેન્ટ, એફ.એલ.સી, તાલીમ, રેન્ડેમાઈઝેશન, ચૂંટણી લગત સ્ટેશનરી, ઉપરાંત ખર્ચની દેખરેખ અને કાયદો વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલ નવી પહેલરૂપ એવા હેલ્થ બુથ અને એનિમલ હેલ્થ બુથ ઉપરાંત પીડબલ્યુડી, સખી અને ઇકો ફ્રેન્ડલી બુથ વિશે પણ નિરીક્ષકશ્રીઓને અવગત કરાવવામાં આવ્યા હતા. સાથે જ મહત્તમ મતદાન માટે બુથ લેવલ અવેરનેસ ગ્રુપ દ્વારા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા ચાલતા મતદાતા જાગૃતિ અભિયાનની જાણકારી આપવામાં આવી હતી.