વિપક્ષી નેતાનું બોર્ડમાંથી વૉકઆઉટ: કહ્યું, કોર્પોરેટરો લાઈબ્રેરીની જ ચર્ચા કરે છે, ગંદા પાણીની ચર્ચા કોણ કરશે ?
બોર્ડ સામાન્ય રીતે દર બે મહિને થાય છે તેમાં પણ એક જ વિષય પર ચર્ચા થાય છે અન્ય કોઈને બોલવાનો મોકો મળતો નથી: ભાનુબેન સોરાણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મેયરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જેમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ વોકઆઉટ કર્યું હતું. ચૂંટણીને કારણે પેન્ડિંગ તેમજ તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગમાં લેવાયેલા નિર્ણયો સહિતની 17 દરખાસ્ત મૂકવામાં આવી હતું પરંતુ બોર્ડ શરુ થયું તેની થોડી જ વારમાં વિપક્ષી નેતા અને કોર્પોરેટર ભાનુ સોરાણીએ વોક આઉટ કર્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે,એક જ પ્રશ્નની કલાક સુધી ચર્ચા કરે છે,બહાર નીકળે તો જનતાની પરેશાની દેખાય ને!’ સામાન્ય રીતે દર બે મહિને જાય છે તેમાં પણ એકમાત્ર લાઇબ્રેરીની જ એક કલાક સુધી ચર્ચા ચાલે છે અન્ય કોઈને બોલવાનો મોકો નથી મળતો ને માત્ર ભાજપના કોર્પોરેટરો આ લાઇબ્રેરીની રસ ચર્ચા કર્યા કરે છે.
રાજકોટમાં અત્યારે રોગચાળો વધે છે જનતા બીમારીનો સામનો કરી રહી છે તેની ચર્ચા તો જનરલ બોર્ડમાં કરવામાં જ નથી આવતી. અનેક સ્થળોએ પીવાનું પાણી ગંદુ આવે છે તો તેની ચર્ચા કોણ કરશે આ બધી સમસ્યાઓ અંગે જનરલ બોર્ડમાં ચર્ચા કરવી જોઈએ તેની તો કોઈ ચર્ચા નથી કરતો. આ સિવાય અમે જે પ્રશ્નો રજૂ કરીએ છીએ તેને પણ તેને લેવામાં નથી આવતા. આજ કારણથી આજે અમે લોકોએ વોક આઉટ કર્યું છે.
- Advertisement -
સામાન્ય કહી શકાય તેવા 17 પ્રશ્ર્નમાં બોર્ડનો કલાકનો સમય પૂરો દીધો
આજે 4 મહિના બાદ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પ્રશ્નોતરી કરવામાં આવી હતી જેમાં શાસક પક્ષના કોર્પોરેટરોએ લાયબ્રેરીમાં કેટલા લોકો આવ્યા,લાયબ્રેરીમાં પુસ્તકો કેટલા સહિતના સામાન્ય કહી શકાય તેવા 17 પ્રશ્નો પુછવામાં આવ્યા હતા અને બોર્ડનો એક કલાકનો સમય પૂરો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં રોગચાળો,બ્રિજના અધુરા કામ,ટ્રાફિકની સમસ્યા જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી ન હતી.આ મુદ્દે વિપક્ષે પણ વોક આઉટ કર્યું હતું.