- 2023-24માં સૌપ્રથમવાર વર્તમાન ભાવ મુજબ માથાદીઠ જીડીપી રૂા.2 લાખને પાર
એસબીઆઈએ રજુ કરેલા તેના સ્ટડીમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં દેશનો જીડીપી ગ્રોથ 8 ટકાની નજીક જ જોવા મળશે. તેણે છેલ્લાં બે કવાર્ટરની સરખામણીમાં ગ્રોથનો અંદાજ વધાર્યો છે. ડિસેમ્બર કવાર્ટરનો વાસ્તવિક જીડીપી ગ્રોથ ગુરુવારે 8.4 ટકા રહ્યો હતો જે અપેક્ષા કરતાં નોંધપાત્ર વધારો આવ્યો હતો.
એસબીઆઈએ તેના રિસર્ચ રિપોર્ટ ‘ઈકોરેપ’માં કહ્યું છે કે ડિસેમ્બર કવાર્ટરના જીડીપીના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે અને સુખદ આશ્ર્ચર્ય આપ્યું છે. યોગ્ય નીતિગત પગલાંને કારણે તે શકય બન્યું છે.
- Advertisement -
તેણે નોંધ્યું કે, તમામ અંદાજોને ખોટા પાડીને જીડીપી ગ્રોથ 8.4 ટકા રહ્યો હતો. તે અગાઉના બે કવાર્ટરમાં 8 ટકાથી વધુ ગ્રોથ જોવા મળ્યો હતો. પરોક્ષ વેરાની આવક 32 ટકા વધી છે. જીડીપી ગ્રોથ અને ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ વચ્ચે ગેપ વધ્યો છે.
તેણે કહ્યું કે, વર્ષ 2023-24 માટે જીડીપી ગ્રોથ 7.6 ટકા અને જીવીએ 6.9 ટકા રહેવાનો અંદાજ છે. ચોથા અને અંતિમ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.9 ટકા રહેવાનો અંદાજ છે. કદાચ વાસ્તવિક આંકડો તેનાથી વધારે હોઈ શકે છે. આથી મોટાભાગે ચાલુ વર્ષનો જીડીપી ગ્રોથ 8 ટકાની નજીક રહેશે તેમ જણાય છે.
નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ એ ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટર માટે જીડીપી ગ્રોથનો અંદાજ 7.8 ટકાથી વધારીને 8.2 ટકા કર્યો છે અને બીજા કવાર્ટર માટે અંદાજે 7.6 ટકાથી વધારીને 8.1 ટકા કર્યો છે. આ રિવિઝન મુજબ એપ્રિલથી ડિસેમ્બર કવાર્ટરનો જીડીપી ગ્રોથ 8.2 ટકા થાય છે.
- Advertisement -
એસબીઆઈના રિપોર્ટમાં વધુમાં કહેવાયું હતું કે તમામ નાગરિકોને ગુણવતાસભર જીવન પુરું પાડવા અને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા લીકેજ બંધ કરવાના પ્રયાસને કારણે 2023-24માં સૌપ્રથમવાર વર્તમાન ભાવ મુજબ માથાદીઠ જીડીપી રૂા.2 લાખને પાર થયો છે. કોન્સ્ટન્ટ પ્રાઈસ મુજબ માથાદીઠ જીડીપી વધીને રૂા.1.24 લાખ થયો છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જાહેર થયેલા ડેટા મુજબ ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટર (કયુ1) માં દેશનો જીડીપી ગ્રોથ 8.4 ટકા રહ્યો હતો.