વર્ષોથી શહેરીજનોને પડતી અગવડતાઓ અંત આવશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
ધ્રાંગધ્રા ભગવતધામ ગુરુકુળથી ડો.આંબેડકર સર્કલ સુધીના રોડને “ગૌરવપથ” નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ધ્રાંગધ્રાના આ ગૌરવપથ રોડ બિસ્માર હોવાથી મસમોટા ખાડાને લીધે રાહદારીઓને ખુબજ મુશ્કેલી પડતી હતી જ્યારે આ અંગે છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક ગ્રામજનો વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં બિસ્માર રોડની નિર્માણ કરવાની આશા દૂર દૂર સુધી નજરે પડતી ન હતી. શહેરી વિસ્તારમાં આવેલા આ રોડની ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સોંપવાની કામગીરી પણ કરાઈ હતી પરંતુ નગરપાલિકાએ રોડ સંભાળવાની કોઈ કાર્યવાહી કરી નહીં અને લોકોને પડતી તકલીફમાં કોઈ સુધારો આવે તે અંગે જરાય વિચાર્યું નહીં. જેથી અંતે માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની નિર્માણ કરવાની મંજૂરી લીધા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ તો ધરાઈ જેમાં રોડ નિર્માણ કરવામાં કામની અંદાજીત રકમમાં કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન હતી જેથી એજન્સીઓ દ્વારા કુલ રકમ કરતા દસ ટકા રકમ વધુ ટેન્ડર આવ્યું હતું જેના લીધે છેલ્લા દોઢેક વર્ષથી આ રોડ નિર્માણનું કામ અધ્ધરતાલ રહી ગયું હતું તેવામાં ધ્રાંગધ્રા માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે એસ.પી.જાડેજા દ્વારા અંગત રસ દાખવી છેક ગાંધીનગર સુધી સતત રોડ નિર્માણ કામનું ફોલોઅપ લઈને અંતે 7.30 કરોડના ખર્ચે કામ મંજૂર કરાવ્યું હતું જે અંગે હવે ધ્રાંગધ્રાના ગૌરવપથ રોડનું કામ શરૂ આદર્યું હતું.
- Advertisement -
પરંતુ અહીં પણ નગરપાલિકાએ અધૂરા મુકેલા કામો પૂર્ણ નહીં થતા અણઘડ વહીવટી શાસન ચાલતી નગરપાલિકા પાસે તાત્કાલિક અધૂરા કામ પૂર્ણ કરવાનો મોટો પડકાર સાબિત થયો હતો. જોકે માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એસ.પી.જાડેજા દ્વારા તાત્કાલિક જરૂરી પત્ર વ્યવહાર થકી પાલિકા પાસે અધૂરા કામ પૂર્ણ કરવાની શરૂઆત કરાવતા હવે ગૌરવપથ રોડ નિર્માણનું કરી શરૂ કરાયું છે જેથી આવતા દિવસોમાં ધ્રાંગધ્રાના સ્થાનિક નાગરિકોનો બિસ્માર રોડ પરથી નીકળતા પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવ્યો છે.