જૂનાગઢમાં દવાના વેપારીએ લાલચમાં લાખો ગુમાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢના દવાના હોલસેલના વેપારીને વધુ રૂપિયા કમાવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જુનાગઢના ઝાંઝરડા રોડ પર દવાના વેપારીને વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી અજાણ્યા આઈડીમાંથી લીંક આપવામાં આવી હતી. જેમાં ઓનલાઇન ટ્રેડિંગ કરી કમાવવાના બદલે રૂપિયા 11 લાખ ગુમાવતા અજાણ્યા ઈસમ સામે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ, જીવનધામ સોસાયટીમાં રહેતા અને ફાર્મા કંપની ચલાવતા રાજેશ પોપટલાલ જાનીને તારીખ 22 માર્ચ 2024ના અજાણ્યા મોબાઇલ ધારકે વોટ્સએપ ગ્રુપમાં સ્ટોક ટ્રેડિંગ એનોલિસિસ ગ્રુપ 85 અજાણ્યા વ્યક્તિએ એડ કરેલ હતો. આ ગ્રુપના એડમીન દિપક રાજ પ્લસ તથા નીતા ટીવીડી પ્લસ હતા.
- Advertisement -
બંને દ્વારા કયા શેર ખરીદવા અને કયા શેર વેચવા તે અંગે રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા. થોડા દિવસો બાદ રાજેશભાઈને ટેલિગ્રામ એપ્લિકેશનમાં સંપર્ક થવાનું જણાવ્યું હતું. તેમાં સંપર્ક કરતા લિંક મોકલવામાં આવી હતી. લીંક દ્વારા ડિમેટ એકાઉન્ટ ખોલી અને શેરનું વેચાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. ટેલિગ્રામ આઈડીમાં દિપક અને લેઝાર્ડ એવલીનનો સંપર્ક થતા તેઓએ લિંક મોકલેલ તેમાં નફો મળતો હતો અને ત્યારબાદ રૂપિયા જમા કરાવવા માટે જણાવ્યું હતું.
રાજેશભાઈએ શરૂઆતમાં આ લીંકના માધ્યમથી 30 હજારનું ટ્રેડિંગ કર્યું હતું. જેમાં 61 હજારની રકમ મેળવી હતી. જેથી વિશ્વાસ જતા વધુ નફો કમાવવા બેંક ખાતા નંબર મોકલ્યા હતા. તેમાં અલગ અલગ બેંક ખાતાઓમાંથી આરટીજીએસ દ્વારા રૂપિયા 11 લાખ જમા કરાવ્યા હતા.
આ લીંક ઉપર આઈડીમાં 32.51 લાખની રકમનો નફો જોવા મળ્યો હતો. જેથી તારીખ 29મેના બેંક ખાતામાં 18 લાખની રકમ જમા કરવાની પ્રોસેસ કરતા રૂપિયા જમા થયા ન હતા અને લિક બંધ થઈ ગઈ હતી. તેમજ ડિમેટ એકાઉન્ટ ફીઝ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ફરીથી એકાઉન્ટ ચાલુ કરવા માટે રૂપિયા જમા કરાવવા માંગણી કરતા શંકા જતા અંતે રાજેશભાઈએ અજાણ્યા લિંક ધારક સામે રૂપિયા 11 લાખની ઓનલાઈન છેતરપિંડી કર્યા અંગે સાયબર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વિનંતી વધુ કાર્યવાહી હાથ ધરી છે.