સોસાયટીના હોદ્દેદારોની મનમાની, ‘નો પાર્કિંગ’ અને “કામ વગર બેસવું નહીં” પાટિયાં પણ લગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
રાજકોટના પોશ એરિયામાં આવેલી કેટલીક સોસાયટીના રહીશો મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. શહેરના અમીન માર્ગ પાસે આવેલી શ્રી હરિહર કો.ઓપ. સોસાયટીના રહીશોએ પણ કેટલાક મનસ્વી નિર્ણયો લીધા છે જેના કારણે અનેક રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. અલબત્ત કેટલાક લોકોના આપખુદશાહીભર્યા વર્તનને કારણે આ સોસાયટીમાં રહેતા કેટલાક લોકો પણ હેરાન થઈ રહ્યા છે. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામેના ભાગમાં જ્યાં એક સમયે જલારામ પેટ્રોલ પંપ આવેલો હતો તેના પાછળના ભાગમાં હરિહર સોસાયટી આવેલી છે. આ સોસાયટીના કેટલાક રહીશો દ્વારા સોસાયટીના રસ્તાઓ પર ગેટ કરવામાં આવ્યા છે અને સોસાયટીની અંદર નો પાર્કિંગ તેમજ કામ સિવાય ન બેસવાના સૂચનો આપતા બોર્ડ મારવામાં આવ્યા છે.
કોઈપણ પ્રકારની મંજૂરી કે જાહેર જનતાને જાણ કર્યા વિના આ પ્રકારના ગેટ અને બોર્ડ લગાવવા કેટલા અંશે યોગ્ય હશે? નોંધનીય છે કે, હરિહર સોસાયટીમાં ઉભા કરવામાં આવેલા ગેટ રાત્રીના સમયે બંધ કરી દેવામાં આવે છે જેથી ઘણા રાહદારીઓ અને તે વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી અનુભવાઈ છે. ઉપરાંત હરિહર સોસાયટીમાં લગાવવામાં આવેલા બોર્ડમાં નો પાર્કિંગ તેમજ તેમજ કામ સિવાય ન બેસવાના સૂચનો આપતા બોર્ડ પર નિયમ તોડનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ લખેલું છે જે તદ્દન અયોગ્ય છે.