આવા પણ અજબ કેસ આવે છે અદાલતોમાં
અંતે મધ્યપ્રદેશ હાઈકોર્ટે બન્ને પક્ષ રાજી રહે તેવો ચુકાદો આપ્યો
- Advertisement -
ભોજનના સ્વાદમાં ચારચાંદ લગાવતું લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે. પરંતુ તેની કેટેગરીને લઈને વિવાદ સર્જાયો છે. લસણની ગણતરી શાકભાજીમાં થાય કે, તેજાના (મસાલા)માં. તે મામલે છેલ્લા નવ વર્ષથી ખેડૂતો-કમિશન એજન્ટો વચ્ચે કાનૂની લડાઈ લડી રહ્યા છે. જેના પર અંતે મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં બંને પક્ષોને લાભ કરાવ્યો છે.
નવ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં બંને પક્ષકારો ઈચ્છતા હતા કે, લસણની ચોક્કસ કેટેગરી નક્કી કરવામાં આવે. જેના પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી છે. તેમજ તેને તેજાના બજારમાં પણ વેચવાની મંજૂરી આપી છે.
જસ્ટિસ એસ.એ. ધર્માધિકારી અને ડી. વેંકટરમનની બેન્ચે 2017ના આદેશને યથાવત રાખતાં કહ્યું છે કે, લસણ ઝડપથી સડી જાય છે, તેથી તેની ગણના શાકભાજીમાં કરી શકાય. પરંતુ તેને શાકભાજી અને તેજાના બંને બજારમાં વેચી શકાશે. જેથી વેપાર પર લાગુ પ્રતિબંધો દૂર થશે અને ખેડૂતો તથા વેપારીઓ બંનેને લાભ થશે.
- Advertisement -
મધ્યપ્રદેશના મંડી બોર્ડે 2015માં લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી હતી. બાદમાં કૃષિ વિભાગે આ આદેશ રદ કરતાં કૃષિ પાક મંડી સમિતિ અધિનિયમ (1972)નો હવાલો આપતાં તેને તેજાનામાં સામેલ કરી હતી. લસણની કેટેગરી નક્કી ન થતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ કરવામાં આવી હતી.
પોટેટો અનિયન ગાર્લિક કમિશન એજન્ટ એસોસિએશને ઈન્દોર બેન્ચ સમક્ષ 2016માં પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશને પડકાર્યો હતો. જેમાં 2017માં તેમના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. જો કે, આ નિર્ણયથી માત્ર કમિશન એજન્ટને જ લાભ થતો હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું.
જેથી આ અરજીની રિવ્યુ પિટિશન જુલાઈ, 2017માં ફાઈલ કરવામાં આવી હતી. જાન્યુઆરી, 2024માં બે જજની બેન્ચે તેને તેજાના કેટેગરીમાં સામેલ કરી હતી. જેના પર લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ માર્ચમાં સમીક્ષા કરવાની માગ કરી હતી. કારણકે, લસણને શાકભાજી કેટેગરીમાં એજન્ટના માધ્યમથી વેચવામાં આવે છે.