ગરબા ઉપરાંત જુદા-જુદા મનોરંજન ગ્રુપ બનાવી વાર્ષિક ધોરણે ફી વસૂલનારાઓએ પણ જીએસટી ચુકવવા પડશે
ગરબાના પાસ કે કોઈ ગુ્રપ બનાવીને નાટક સહિતના મનોરંજનના પ્રોગ્રામો યોજનારાઓ દ્વારા પાસના વેચાણની આવકને ડોનેશનની આવક તરીકે ખપાવીને કરવામાં આવી રહેલી જીએસટીની ચોરી પર બ્રેક લગાવવામાં આવી છે. પ્રોગ્રામના સ્પોન્સર તરીકે બતાવીને તેમની જાહેરાત સામે તેમને પાસ આપ્યા હોવાનું દર્શાવીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાનું ટાળતા હતા. આમ ડોનેશનની આવક બતાવી જીએસટીની ચોરી કરવા પર બ્રેક લગાવી દેવામાં આવ્યો છે. પાસની કિંમત ન બતાવીને ડોનેશન જ બતાવનારાઓને માથે જીએસટીની 18 ટકાની જવાબદારી આવશે.
- Advertisement -
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અનુસંધાનમાં 5મી જાન્યુઆરી 2018ના એક પરિપત્ર સીબીઆઈસીએ કર્યો હતો. તેમાં રૂા. 500થી વધુની કિંમતના મનોરંજનના પ્રોગ્રામ કે ગરબાના કાર્યક્રમો માટેના પાસની આવક પર 18 જીએસટી લગાડવાનો આદેશ અપાયો હતો. પરંતુ જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બોજમાંથી બચવા માટે તેમણે પાસની કિંમત ન રાખીને કાર્યક્રમમાં ડોનેશન આપનારાઓને વળતા પાસ આપ્યા હોવાનું બતાવીને જીએસટી ભરવાનું ટાળતા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ આ પાસની કિંમત રૂા. 500થી ઓછી કરી દઈને ટેક્સની ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. દરેક દિવસના પાસ વેંચાય તે માટે નવ દિવસના પાસ સાગમટે જ વેચવાનો આગ્રહ રાખનારા ગરબાના આયોજકોના દુરાગ્રહને કારણે જીએસટીની જવાબદારી આવી હોવાનું પણ માનવામાં આવે છે.



