પાણી છોડાય તે પહેલાં જીરાના પાકને નુકસાનની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડીની ખારાઘોડા માઇનોર 6 નંબર કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ગાબડાં અને બાવળનો અડીંગો જોવા મળ્યો છે. જીરાના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં, કેનાલની આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
- Advertisement -
તંત્ર ઝાલાવાડ પંથક અને ખાસ કરીને રણકાંઠાના 89 માંથી 87 ગામોને નર્મદાના પાણીનો લાભ મળ્યાનો દાવો કરે છે. જોકે, રણકાંઠામાં બનેલી કેનાલોના નબળી ગુણવત્તાના કામને કારણે પાણી છોડાય તે પહેલાં જ 25 થી વધુ કેનાલો તૂટી ગઈ હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં રણકાંઠા વિસ્તારની કેનાલોમાં 13 જેટલા ગાબડાં પડ્યાના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ ગાબડાંને કારણે ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા પાકને નુકસાન થયું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી નર્મદા કેનાલ રણકાંઠાના ખેડૂતો માટે અભિશાપ સમાન બની રહી છે. પાટડીની ખારાઘોડા કેનાલની વર્તમાન સ્થિતિ જોતા, નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરાવવા, બાવળ કાપવા અને સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા વ્યાપક માંગ કરવામાં આવી છે. આ અંગે ખેડૂત આગેવાન નવઘણભાઈ ઠાકોર, નારણભાઇ પટેલ અને મનીષભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, ખેડૂતોને એકબાજુ કમોસમી માવઠાનો માર પડ્યો છે, એવામાં હાલ જીરાને પાણીની જરૂર છે. ત્યારે આ કેનાલના ગાબડાં રિપેરિંગ કરી, બાવળ કટીંગ અને કેનાલની સઘન સફાઈ કરવામાં આવે તેવી અમે નર્મદા વિભાગ પાસે માંગ કરી છે. જ્યારે આ અંગે નર્મદા વિભાગના અધિકારી સંજયભાઈનો સંપર્ક કરતા, તેમણે ફોન ઉપાડીને જણાવ્યું કે તેઓ હાલ એક મીટીંગમાં છે અને થોડીવારમાં કોલ કરશે, એમ કહી ફોન કટ કરી દીધો હતો.



