અણીયારા ગામે 64 નંગ લીલા છોડ અને 223 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી સામે કુવાડવા રોડ પોલીસે કરી હતી તપાસ; અદાલતે બચાવપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અણીયારા ગામની સીમમાં તુવેરના વાવેતરની આડમાં ગાંજાની ખેતી કરતા એક શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. આ દરોડામાં પોલીસે કુલ ₹1,11,69,000 (એક કરોડ અગિયાર લાખ ઓગણસીતેર હજાર)ની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. જોકે, આ કેસમાં આરોપીના રિમાન્ડ મેળવવાની પોલીસની અરજીને અદાલતે નામંજૂર કરી છે.
સમગ્ર ઘટનાક્રમ: 13 ડિસેમ્બરના રોજ આજીડેમ પોલીસે અણીયારાથી ઢાંઢણી જવાના રસ્તે આવેલી વાડીમાં દરોડો પાડ્યો હતો. આરોપી હનાભાઈ ઉર્ફે હનો સવાભાઈ ગાબુએ પોતાના ખેતરમાં તુવેરના પાકની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાના 64 છોડ વાવ્યા હતા, જેનું વજન 163 કિલોથી વધુ હતું. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 60 કિલો સૂકો અને ભેજયુક્ત ગાંજો પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ 223 કિલો 380 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી એન.ડી.પી.એસ. (ગઉઙજ) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
અદાલતી કાર્યવાહી: આ કેસની વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. પોલીસે તપાસના મૂળ સુધી પહોંચવા અને આરોપીની પૂછપરછ માટે નામદાર સ્પેશિયલ એન.ડી.પી.એસ. સેસન્સ અદાલત સમક્ષ આરોપીને રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરી હતી.
બચાવપક્ષના વકીલ હેમલકુમાર બી. ગોહેલે અદાલતમાં ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કરવામાં આવેલી રિમાન્ડની માંગણી કાયદાકીય સિદ્ધાંતો મુજબ યોગ્ય નથી. તેમણે ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરી હતી કે માત્ર પૂછપરછના બહાને કસ્ટડી લંબાવી શકાય નહીં. નામદાર અદાલતે બચાવપક્ષની દલીલોને ધ્યાને રાખી આરોપી હનાભાઈના પોલીસ રિમાન્ડની અરજી ના મંજૂર કરી હતી. આ કેસમાં બચાવપક્ષે એડવોકેટ હેમલકુમાર ગોહેલ, સંદીપ વાડોદરીયા, હિરેન્દ્રસિંહ ચૌહાણ અને આનંદ સદાવ્રતી રોકાયેલા હતા.



