ત્રણ આરોપીઓ વિરુદ્ધ POCSO હેઠળ ગુનો દાખલ, પોલીસ તપાસ તેજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીજીની ભૂમિ અને શાંતિપ્રિય સમાનરૂપે ઓળખાતા પોરબંદર શહેરમાં ઘનઘોર પાપી કૃત્ય સામે આવતા સમગ્ર પંથક ચકચાર થઈ ગયું છે. એક સગીર વયની દીકરીને ત્રણ શખ્સોએ 22 જુલાઈની રાત્રે કેફી પદાર્થ પીવડાવ્યા બાદ કારમાં વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ ત્રણેય હવસખોરોએ ગેંગરેપ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરા, મલ્હાર અને રાજ અને કાળા કલરની ગાડી ચલાવનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોકસો કાયદા સહિત ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ આરોપી જયરાજે સગીરાને ઘેરથી નાસ્તા કરાવવા માટે બોલાવી હતી. ત્યારબાદ કાળા કલરની કારમાં સવાર થઇ તેને સાથે લઈ ગયો હતો. કારમાં રાજ અને મલ્હાર પણ હાજર હતા. આરોપીઓએ પહેલા કોઈ કેફી પદાર્થ પીવડાવ્યું, જેના કારણે સગીરા અચેત જેવી સ્થિતિમાં પહોંચી ગઈ. આરોપીઓએ તેને વૃંદાવન પાર્ટી પ્લોટ, ચોપાટી અને અન્ય સ્થળે ફેરવી, અંતે સવારે આશરે 4:30 વાગ્યે સફારી ગાડીમાં સગીરાને ઘરે છોડી નાસી છૂટ્યા હતા. ફરિયાદ મળતાં જ ઉદ્યોગનગર પોલીસએ તરત તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર કેસની ગંભીરતા જોતા તપાસ ઉદ્યોગનગર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ જે.જે. ચૌધરીને સોંપવામાં આવી છે. આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો તહેનાત કરાઈ છે અને શહેરના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેન્સિક ટેક્નિક્સનો સહારો લેવાઈ રહ્યો છે. આ કિસ્સાએ પોરબંદર શહેરના નાગરિકો, મહિલા સંગઠનો અને સમાજસેવકોમાં ભારે ગુસ્સો ફેલાવ્યો છે. લોકો એવી માંગ કરી રહ્યા છે કે આવા પાશવી ગુનાખોરોને ઝડપથી પકડવામાં આવી તેમની સામે કોર્ટમાં ત્વરિત ચાલતી ટ્રાયલથી કડક સજા આપવામાં આવે જેથી આવા ગુનાઓને રોકવામાં સઘન સંદેશો જાય.
સગીરાની તાત્કાલિક મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તબીબી રિપોર્ટ પોલીસને મળવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથેસાથે બાળા માટે માનસિક સહારો અને કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવાયું છે જેથી તે આવી આઘાતજનક ઘટનાથી બહાર આવી શકે.
આ ઘટના પોરબંદર માટે લાલબત્તી સમાન છે. આવા પાશવી કૃત્યો સામે સમાજ તરીકે શૂન્ય સહનશીલતાનો દ્રષ્ટિકોણ વિકસાવવો જરૂરી છે.
પોલીસ, વાલીઓ અને નાગરિકો – ત્રણે સ્તરે સહયોગથી આ પ્રકારના ગુનાઓ સામે મજબૂત લડત આપવી જરૂરી બની છે.