ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ ગિરનાર પર્વતના જંગલ વિસ્તારમાં આવેલા પ્રાચીન અને ગુપ્ત તીર્થ સ્થળ તરીકે ઓળખાતા જટાશંકર મહાદેવ મંદિર ખાતે દુર્લભ નજારો જોવા મળ્યો હતો. પ્રકૃતિથી ભરપૂર આ પવિત્ર ગુફામાં મહાદેવજી બિરાજમાન છે અને પ્રતિ વર્ષ સારા વરસાદના લીધે અહીં ગંગાજીનું અદભૂત પ્રગટ થવાનું દૃશ્ય જોવા મળે છે.
આ દિવસે ગુફામાંથી કુદરતી રીતે પાણીનું ઝરણું વહેતું થતું હોય છે, જેને શ્રદ્ધાળુઓ ગંગાજીનો પ્રકાશ રૂપ પ્રવાહ માને છે. આ ઝરણું સીધું શિવલિંગ પર જતું હોય છે, અને મહાદેવને કુદરતી જલાભિષેક કહેવાય છે. આજે પણ તે પાવન ક્ષણો જોવા મળતા ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. અમે ઘણાં વરસોથી સાંભળતાં આવ્યા છીએ કે આ સ્થળ ગિરનારના ગુપ્ત પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે અને અહીં પ્રવેશવું તેમજ દર્શન મેળવવું સરળ નથી, કારણકે આ સ્થાન અઘરું અને દુર્ગમ છે. છતાં આજે કેટલાય ભક્તો ધીરે ધીરે જંગલની અંદર જઈને આ અલૌકિક નજારાનો દર્શન કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ અનેક ભાવિકો ભાવવિભોર થઈ ગયા. ગિરનાર પર્વતના રહસ્યમય પાસાંઓમાં જટાશંકર મહાદેવનું સ્થાન અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આધ્યાત્મિક અનુભૂતિથી પરિપૂર્ણ આ સ્થળનું મહત્વ વર્ષે વર્ષ વધી રહ્યું છે.