સેલ્યુલોઇડ પર ચમકનારી આ ‘માફિયા ક્વિન્સ ઑફ મુંબઇ’ની રિઅલ લાઇફ સ્ટોરી ખરેખર કેવી છે?
– નરેશ શાહ
આપણા બધાના ઘરમાં એક પાયખાનું (સંડાસ) હોય છે, જેથી આપણે આજુબાજુનો વિસ્તાર ખરાબ ન કરીએ. બસ, એ જ કારણ છે કે દરેક શહેરમાં એક વૈશ્યાલય હોય, તેની સમાજમાં આજે તાતી જરૂર છે
નેચરલી, આ શબ્દો એક વૈશ્યાના છે. એક એવી વૈશ્યા, જે કદાચ આ વરસે ભારતીય સમાજમાં અનેક તરંગો જન્માવી શકે એવી શક્યતા છે.
- Advertisement -
ર0ર1ની સૌથી એક્સાઈટિંગ ફિલ્મોની યાદીમાં કર્મશિયલ તેમજ આર્ટિસ્ટીક એન્ગલથી એક ફિલ્મ તો અચૂક ગણાય જ : ગંગુબાઈ કાઠિયાવાડી. કારણો બે. એક એ ફિલ્મના સ્વપ્નિલ ડિરેકટર સંજય લીલા ભણશાળી. કારણ નંબર બે. ટાઈટલ રોલ ભજવતી વર્સેટાઈલ અને ટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટ. જો કે આ બન્ને કારણો કરતાં ય વધુ ઉત્તેજના જગાવતી બાબત એ છે કે, ગંગુબાઈ કાઠિયાવાડી એ વૈશ્યાલય ચલાવનારી એક ડેરિંગબાજ ગુજરાતણની સત્યકથા છે. અલબત્ત, સંજય લીલા ભણશાળી એકાદ અપવાદ બાદ કરતાં ભવ્યતાનો તડકો મારેલી ચકચક્તિ ફિલ્મ બનાવવા માટે નામચીન છે એટલે ગંગુબાઈ કાઠિયાવાડી કેટલી સાચુકલી અને જમીની ફિલ્મ હશે, એ તો જોયા પછી જ ખબર પડશે. એની વે, સંજયભાઈએ આલિયા ભટ્ટને જે કિરદાર સોંપ્યું, એ ગંગુબાઈ મુંબઈના કમાટીપુરામાં ગંગુબાઈ કોઠેવાલી તરીકે ઓળખાતી અને એક જમાનામાં તો અનેક ચકલામાં તેમનો ફોટો પણ રાખવામાં આવતો હતો. દેહવ્યવસાય કરનારી સ્ત્રીઓ તેમને ગંગુમા તરીકે પણ બોલાવતી.
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં સંજય લીલા ભણશાળીને કલ્પનાનો સ્વૈરવિહાર કરવાનો પુરો ચાન્સ મળવાનો છે કારણકે સત્ય ઘટના હોવા છતાં ગંગુબાઈ વિષેની આધારભુત માહિતીઓ ઉપલબ્ધ નથી અને તેનો સ્વીકાર તો જેના આધારે આ ફિલ્મ બની રહી છે એ પુસ્તક માફિયા કવિન્સ ઓફ મુંબઈમાં ખુદ લેખક એસ. હુસૈન જૈદી પણ કરી ચૂક્યા છે. ગંગુબાઈ કાઠિયાવાડી – નામ ભલે અપાયું પણ ગંગુબાઈ કાઠિયાવાડીમાં ચૌક્કસ ક્યાં જન્મયાં હતા, તેની વિગતો પણ હજુ સુધી ઉપલબ્ધ નથી. એ તો ઠીક, કમાઠીપુરામાં કોઠાની સંચાલક બન્યાં પછી અનેક ઉંચા તીર મારનારાં ગંગુબાઈના અવસાન વિશેની પણ ઓથેન્ટિક માહિતી ઉપલબ્ધ નથી, એવું લેખક સ્વયં સ્વીકારી ચૂક્યાં છે. અલબત્ત, એ સત્ય છે કે, વાસ્તવમાં ગંગુબાઈ હતા ખરાં.
તેમનું સાચું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. તેમના પરિવારમાં વકીલ અને શિક્ષ્ાકો પણ હતા. કાઠિયાવાડના રાજઘરાના સાથે ગંગાના કુટુંબનો ખાસ્સો એવો ઘરોબો હતો. ગંગાના શ્રીમંત પિતાએ પોતાના હિસાબક્તિાબ માટે અઠાવીસ વરસના મુંબઈ રિટર્ન રમણીકલાલને નોકરીએ રાખ્યો, એ પછી ગંગાનું તેના તરફ આકર્ષણ વધ્યું. મુંબઈ ફિલ્મ પ્રત્યેનો લગાવ ગંગાને રમણીક તકફ વધુ ખેંચતો ગયો. પ્રતિષ્ઠિત પરિવાર તરફથી કદી ફિલ્મ માટે મુંબઈ જવા દેવાની પરવાનગી નહીં મળે એ જાણતી ગંગા માતાના દાગીના અને પૈસાની ચોરી કરીને રમણિક સાથે ભાગી જઈ મુંબઈ આવી જાય છે. અનેક કિસ્સા અને ફિલ્મોમાં તમે જોઈ ચૂક્યા છો એમ, થોડા દિવસ મુંબઈમાં જલસા ર્ક્યા પછી રમણીક ગંગાને પોતાની માસી ને સોંપીને ભાડેનું મકાન શોધવાના નામે છટકી જાય છે. ગંગાને કમાટીપુરાના પોતાના ઘરે લાવ્યા પછી માસી ખુલાસો કરે છે કે, રમણીક ગંગાને પાંચસો રૂપિયામાં વેચીને ચાલ્યો ગયો છે…
ગંગા અપસેટ છે છતાં જાણે છે કે હવે પ્રતિષ્ઠિત પરિવારમાં પાછા જવું શક્ય નથી અને યોગ્ય પણનથી. પિતા સ્વીકારશે નહીં અને બદનામીના કારણે બહેનોના વિવાહમાં પણ અડચણ આવશે… ગંગા શરીર વેચવાનો ધંધો કમને સ્વીકારી લે છે. દેહ તો તે મુંબઈમાં આવતાંની સાથે રમણીકને અર્પણ કરી ચૂકી હતી એટલે પ્રથમ ગ્રાહક નથ ઉતરવા (કૌમાર્ય ભંગ માટે) તેને ઓરડામાં લઈ જાય છે ત્યારે તે ભેદ ખુલી ન જાય, એ વાસ્તે તેને રતિક્રિડામાં પ્રસન્ન કરી દે છે અને…
- Advertisement -
કમાટીપુરામાં ગંગુ બનેલી ગંગાની બોલબાલા થઈ જાય છે
અહીં સુધી ટિપિકલ લાગતી સત્યકથામાં એ પછી ટર્ન એન્ડ ટવિસ્ટ આવે છે. ગંગુની નામના જાણીને એક માથાભારે પઠાણ તેની સાથે હમબિસ્તર થવા આવેે છે અને અત્યાચારી રીતે ગંગુ સાથે સંભોગ કરે છે. બીજી વખત તો એ ગંગાની એવી દુર્દશા કરે છે કે તેને હોસ્પિટલાઈઝડ કરવી પડે છે. હવે ગંગુ માટે આ બધું અસહ્ય થઈ જાય છે પણ ચકલાંની બોસ (ઘરવાલી) શીલા માથાભારે પઠાણથી ડરે છે. પોલીસ ફરિયાદ પણ ક્યાં મોઢેં કરે ? આખરે ગંગુબાઈ પોતાની રીતે તપાસ કરતાં જાણે છે કે, એ પઠાન શૌક્ત ખાન છે અને મુંબઈના ડોન (અબ્દુલ કરીમખાન) કરીમ લાલા ગેંગનો સભ્ય છે… ગંગુબાઈ એક દિવસ નમાઝ પઢીને આવતાં કરીમલાલાને આંતરીને ફરિયાદ કરે છે, મને તમારા સાગરિત શૌક્ત ખાનથી છોડાવો તો હું તમારી રખાત થઈને જીંદગીભર રહેવા તૈયાર છું.
કરીમલાલા ડોન હતા, પણ પારિવારિક હતા. તેઓ ગંગુ પર ચિડાઈ જાય છે પણ શૌક્ત ખાનથી છૂટકારાનું પ્રોમિસ આપે છે એટલે ગંગુ તેમને રાખડી બાંધી ભાઈ બનાવે છે… એક દિવસ ફરી શૌક્ત ખાન ગંગુ પાસે આવે છે ત્યારે તાકિદ મુજબ, કરીમ લાલાને કહેણ મોકલીને ગંગુબાઈ બોલાવે છે. કરીમ લાલા તત્કાળ આવીને શૌક્ત ખાનને ઠમઠોરીને જાહેર કરે છે કે, ગંગુ મારી માનેલી બહેન છે, તેને હેરાન કરનારને હું છોડીશ નહીં
બસ, કરીમલાલાના આ સ્ટેટમેન્ટ પછી ગંગુબાઈનો સિતારો બુલંદી પર છવાઈ જાય છે. નાગપાડા પોલિસ અને અંડરવર્લ્ડ પણ ગંગુબાઈ સાથે સારા સંબંધ રાખવા લાગે છે કારણકે… એ ભાઈ (કરીમલાલા)ની માનેલી બહેન છે. થવા કાળ મુજબ, ગંગુબાઈ જે કોઠામાં હતી તેની માલકિન શીલાનું અવસાન થતાં ઘરવાલીનો હોદો ગંગુબાઈને મળી જતાં તેનો પ્રભાવ વધુ અદકેરો થઈ જાય છે. મહિલા સશક્તિકરણની એક સભા મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી, તેમાં દેહ વ્યવસાયના પ્રતિનિધિ તરીકે આવેલી ગંગુબાઈએ જાહેર સભામાં જ વૈશ્યા અને વૈશ્યાલયોને કાયદેસર કરવાની વાત કરતાં કહેલું કે, લોકો સુરક્ષ્ાિત રહે એ માટે દેશના જવાનો દરરોજ લડે છે, તેમ અમે વૈશ્યાઓ પણ દરરોજ લડાઈ લડીએ છીએ પણ… જવાનોને પુરસ્કૃત કરવામાં આવે છે તો એક વૈશ્યાને કેમ અપમાનિત કરવામાં આવે છે, શા માટે અમારી સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે ?
ગંગુબાઈના આ ભાષણે સમાજના દરેક વર્ગમાં હડકંપ મચાવી દીધેલો તો દેહ વ્યવસાયીઓની દુનિયામાં તેમની લોકપ્રિય વધારી લીધી હતી. માફિયા કવિન્સ ઓફ મુંબઈમાં લેખક એસ. હુસૈન જૈદી સ્વીકારે છે કે, ગંગુબાઈ વિષે સાલ-વાર કે મહિના કે તસવીર યા ડોક્યુમેન્ટ સાથેની વિગતો ખાસ ઉપલબ્ધ નથી પણ કમાટીપુરાની બારમી ગલીમાં હજુ એવી વાતો ચાલે છે કે, ગંગુબાઈએ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને મળીને મુંબઈના રેડલાઈટ એરિયા અને વૈશ્યાઓનું મહત્વ સમજાવ્યું હતું ત્યારે નહેરુજીને ઓફર કરેલી કે, મને (ગંગુબાઈને) મિસિસ નહેરુ બનાવે તો પોતે વૈશ્યા વ્યવસાય છોડી દેવા તૈયાર છે…
1975-78 વચ્ચેના સમયમાં અવસાન પામેલી ગંગુબાઈ જીવતી ત્યારે રોજ જન્મભૂમિ અખબાર વાંચતા. બીડી પીતાં અને પાન ચાવતાં-ચાવતાં દરરોજ જુગાર પણ રમતાં. તેમને સોનાનું ભારે વળગણ હતું. સોનાની બોર્ડરવાળી સફેદ સાડીના કાયમી કોશ્ચ્યુમમાં જ રહેનારાં ગંગુબાઈની ચશ્માની ફ્રેમ અને તેના નકલી દાંત પણ સોનાના હતા. એકમાત્ર એવા કોઠાવાલી હતા, જેમની પાસે એ જમાનામાં બેંટલે કાર હતી. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ટિઝરમાં બીડી, સફેદ સાડી અને મુંહફટ મિજાજ તો આલિયા ભટ્ટે બરાબર ઝિલ્યો નું દેખાય છે. જોવાનું એ રહે છે કે સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડી (જેમાં કરીમલાલા અજય દેવગણ બને છે) કલ્પનાશીલતાની ઉડાનમાં કેટલી સાચી ઠરે છે.



