મોરબીના વેપારીને વેંચ્યા હોવાની કબુલાત : મોરબીના ચાર સહિત પાંચની ધરપકડ
ગ્રામ્ય એલસીબીને મળેલી મોટી સફળતા : કોપર વાયર સહિત 9.79 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર ભરના જીઈબી સબ સ્ટેશનોમાંથી કેબલ અને રીએક્ટરની ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ કોપર વાયર સહિત 9.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો ચોરી કરેલ વાયર અને રીએક્ટર મોરબીના વેપારીને વેંચ્યા હોવાની કબુલાત આપી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા અનડિટેકટ ચોરીના ગુનાઓ શોધી કાઢી, આરોપીઓને તુરંત પકડી પાડી, ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવાની સુચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહીલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સુલતાનપુર પોલીસ મથક વિસ્તારના લીલાખા ગામ પાસેથી પાંચ શખ્સો મોરબીના સામુ મનોજ આમેણીયા ઉ.22, વનરાજ દેવરાજ કુંઢીયા ઉ.19, કાટીયો ઉર્ફે અશોક નરશી વીરુગામીયા ઉ.35, આકાશ સુરેશ વીકાણી ઉ.23 અને ધાંગધ્રાના કૈલાશ ચતુર કુંઢીયા ઉ.19ને રૂ.9,79,510 ના મુદામાલ સાથે પકડી પાડી તેની આગવી ઢબે પુછપરછ કરતા આરોપીઓએ અલગ અલગ સાગરીતો સાથે મળી રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી તથા કચ્છ જિલ્લામાં અલગ અલગ 16 જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓની ધરપકડ કરી કોપર વાયર 247 કિલો, ચાર મોબાઈલ, ત્રણ વાહન પાના-પકડ સહિત રૂ.9.79 લાખનો મુદામાલ કબ્જે કરી વધું તપાસ અર્થે સુલતાનપુર પોલીસને સોંપવામાં આવ્યાં હતાં. ગઇ તા.08/04/2025 ના વહેલી સવારે લીલાખા ગામ નજીક આવેલ જી.ઇ.બી. 66 કે.વી. સબસ્ટેશન ખાતે આરોપીઓ બોલેરો ગાડી લઇ કુલ ત્રણ રીએક્ટર ની ચોરી કરેલ, ગઇ તા. 14/04/2025 ના જેતપુર ભોજાધાર પાસે આવેલ 66 કે.વી. જી.ઈ.બી. સબસ્ટેશનમાંથી એક રીએક્ટરની ચોરી કરેલ, ચારેક મહીના પહેલા મૂળીના સડલા ગામેથી નવ આરોપીઓએ ત્રણ રીએક્ટરની ચોરી કરેલ, ત્રણ-ચાર મહીના પહેલા મોરબીથી હળવદ રોડ ઉપર જી.ઇ.બી. સબસ્ટેશન માંથી ત્રણ રીએક્ટરની ચોરી કરેલ, એક વર્ષ પહેલા સામખીયારી જી.ઈ.બી.ના ગોડાઉન પાસેથી 40-40 કિલો ના બે બંધ ટ્રાન્સફોર્મર ની ચોરી કરેલ, પાંચેક મહીના પહેલા ઢુવા ગામે માટેલ રોડ ઉપર આવેલ સબસ્ટેશન ખાતેથી એક રીએક્ટરની ચોરી કરેલ અને છએક મહીના પહેલા ધાંગધ્રા પાસે સીતાપુર ગામથી સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ સબસ્ટેશનમાંથી બે રીએક્ટરની ચોરી કરેલ હતી.
ઉપરાંત ચારેક મહીના પહેલા વાકાનેરથી થાન વાળા રોડ ઉપર ટોલનાકા પાસે સબ સ્ટેશન ખાતેથી એક રીએક્ટરની ચોરી કરેલ, ચારેક મહીના પહેલા અંજાર પાસે આવેલ પાવર હાઉસમાંથી 100 કિલો જેટલો કોપર વાયરની ચોરી કરેલ, એકાદ મહીના પહેલા લખતર કેનાલ રોડ પાસે આવેલ પાવર હાઉસમાંથી 80 કિલો જેટલો કોપર વાયરની ચોરી કરેલ હતી.
બે મહિના પહેલા ટંકારા ગામે આવેલ પાવર હાઉસમાંથી 350 કિલો વાયર તેમજ મોરબી, હળવદના લીલાપુર, હળવદ માર્કેટીંગ યાર્ડ પાછળ, સામખીયારી ગામ નજીક અને ધ્રાંગધ્રામાં આવેલ પાવર હાઉસમાં હાથફેરો કર્યાની કબુલાત આપી હતી.