મહિલાના નગ્ન ફોટા પાડી બ્લેક મેઇલ કરી અમીત ભીંડી અને અલ્પેશ ભીંડી દ્વારા વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો
માત્ર દુષ્કર્મ જ નહી પરંતુ ભોગ બનનારના પરિવારને સામૂહિક આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા ત્યારે આગોતરા જામીન આપી શકાય નહીં : એડવોકેટ સુરેશ ફળદુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સોનીબજારની પેઢી ગણેશ ગોલ્ડના ભાગીદારો સોની અગ્રણી અમિત ભીંડી તથા અલ્પેશ ભીડી બંને ભાઈએ તેની જ પેઢીનું માર્કેટીંગનું કામ કરતી મહિલાને હીસાબ સમજાવવા ફલેટે બોલાવી બળજબરીથી દુષ્કર્મ કરી નગ્ન ફોટા પાડી લઈ તે વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી. બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ કરનાર બંને ભાઈ પૈકી અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડીએ પોતાની ધરપકડ ટાળવા કરેલી આગોતરા જામીન અરજી રાજકોટના સેશન્સ કોર્ટે નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.
કેસની હકીકત જોઈએ તો દુષ્કર્મનો ભોગ બનનાર મહીલા ફરીયાદી ગણેશ ગોલ્ડ નામની પેઢીમાં સોનાના દાગીનાનું માર્કેટીંગનું કામ કરતી હતી દરમીયાન તેણીને ધંધાના હીસાબ માટે અલ્પેશ ભીંડીએ રહેણાંકના મકાને બોલાવી શરીર સબંધની માંગણી કરી ભોગ બનનારની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજારી નગ્ન ફોટા પાડી લઈ બાદ બે વખત ભોગ બનનારને ફલેટે બોલાવી ફોટા વાઈરલ કરી દેવાની તથા ભોગ બનનારના માસીના મકાનનો કબ્જો લઈ લેવાની ધમકી આપી બળજબરીથી શરીર સબંધ બાંધ્યા બાદ તેજ રીતે સહઆરોપી અમિત ભીડીએ પણ તેના ભાઈ અલ્પેશના મોબાઈલમાં રહેલ ભોગ બનનારના નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની અને સાટાખતવાળા મકાનનો કબ્જો લઈ લેવાની અને સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ભોગ બનનારને બે વખત ફલેટે બોલાવી ભોગ બનનારની મરજી વીરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો.
ભોગ બનનારે ગાંધીગ્રામ-2 (યુની.) પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી, અમિત મહેન્દ્રભાઈ ભીંડી કે જે 302, જે.પી. ટાવર સી, સવજીભાઈની શેરી, સોનીબજાર રાજકોટમા ધંધો કરનાર વિરૂધ્ધ તા.05/09/2022ના રોજ ગુનો દાખલ કરાવ્યો હતો.
- Advertisement -
ઉપરોકત બંને આરોપી પૈકી અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડીએ પોતાની સંભવીત ધરપકડ ટાળવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી જેની સામે સરકારી વકીલ દ્વારા તથા મુળ ફરીયાદી ભોગ બનનાર વતી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે, અરજદારનું એફ.આઈ.આર.માં નામ તથા સ્પેશીફીક રોલ છે, અરજદાર ત્રણ વર્ષથી નાસતા ભાગતા ફરે છે, હાજરી સિક્યોર્ડ નથી, અરજદાર વિરૂધ્ધ પ્રથમ દર્શનીય પુરાવો છે કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન વગર ગુન્હાના મુળ સુધી પહોંચી શકાય તેમ નથી, અરજદાર તથા તેના ભાઈઓ પ્રથમ શ્રીગણેશ ગોલ્ડ નામની ભોગ બનનારના પિતાની પેઢીમાં રકમ મોકલી ભાગીદાર થઈ બાદ પેઢીમાંથી “શ્રી” કાઢી નાખી ગણેશ ગોલ્ડ નામ રાખી પેઢી પણ પડાવી લીધી અને ભોગ બનનારને તેજ પેઢીમાં નોકરી કરવી પડે તેવા સંજોગો ઉભા કરી ભોગ બનનારના પિતા સને-2019માં ગુજરી જતા તે અરશામાં હિસાબ પુર્ણ કરી નાખ્યો હોવા છતા આરોપીઓએ પેઢીમાં રોકેલ રકમ ઉપર વ્યાજ તથા ચક્રવૃધ્ધિ વ્યાજ માંડી તે વસુલવા ભોગ બનનાર તથા તેના પરીવાર સહીતનાઓના નામે લોનો લેવડાવી તે રકમ પણ અરજદાર બંને ભાઈઓએ મેળવી લીધી હતી. તેમજ ભોગ બનનારની માસીના મકાનનું સાટાખત કરાવી લઈ તે મકાનનો પણ કબ્જો કરવા સતત ધમકાવવા આવતા હોય તેમજ પેઢીનો સોનાનો માલ ભોગ બનનાર માર્કેટીંગ કરવા લઈને નીકળે તે પહેલા તે સોનાની સીક્યુરીટી પેટે પુરા પરીવારના સહીવાળા આરોપીઓએ ચેકો રાખી મુક્યા તેનો પણ દુરઉપયોગ કર્યો અને ભોગ બનનારની પેઢીનો તમામ માલસામાન તેમજ વાહનો પણ પડાવી લઈ ભોગ બનનાર ઉપર બંને ભાઈઓએ મળી કુલ પાંચ વખત દુષ્કર્મ ગુજારી તે કોઈને વાત કરી છે તો નગ્ન ફોટા વાઈરલ કરી દેવાની તથા ભોગ બનનારના માસીના મકાનનો કબ્જો લઈ લેવાની ધમકી તથા સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોય, અરજદારનો ગુનાહિત ભુતકાળ હોય વિગેરે રજૂઆતો સાથે સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓ રજુ કરી જામીન અરજી રદ કરવા અરજ કરી હતી.
અરજદારે ત્રણ વર્ષ બાદ આગોતરા જામીન અરજી કરી છે વીલંબીત સમયનો કોઈ ખુલાસો નથી અરજદારનો તપાસમાં સહકાર નથી ગુન્હો નોંધાયો ત્યારથી અરજદાર ફરાર છે કેસના તથ્યો અને સંજોગો પર નજર નાખતા સરકાર તરફે રજુ થયેલા ચુકાદા ફરીયાદ પક્ષના કેસને લાગુ પડે છે, રેકર્ડ જોતા અરજદારની ગંભીર ગુન્હામાં સંડોવણી છે, આગોતરા જમીન પર મુક્ત કરવાથી ફરીયાદ પક્ષના કેસને તથા તપાસના માર્ગ પર અસર પડી શકે તેમ છે, આરોપીના કસ્ટ્રોડીયલ ઈન્ટ્રોગેશન વગર ગુનાની અસરકારક તપાસ થઈ શકે તેમ નથી આરોપીની મેડીકલ તપાસણી કરાવી જરૂરી નમુના લેવા આવશ્યક હોય અરજદારની ગેરહાજરીમા તપાસ થઈ શકે તેમ ન હોય દુષ્કર્મની ફરીયાદ નોંધાતા જ અરજદાર ફરાર થઇ ગયો હોય, અવાર નવાર તપાસ કરવા છતા આરોપી મળી આવ્યો ન હોય સહકાર આપતા હોવાનુ જણાતુ ન હોય આરોપીને જામીન ઉપર મુક્ત કરવાથી ભોગ બનનાર સ્ત્રી હોય તેણીને ડરાવી, ધમકાવી, સમાધાન કરવા દબાણ કરે તેવી દહેશત હોય અરજદારને આગોતરા જામીનપર મુક્ત ન કરવા અપીલ કરી હતી. ત્યારે અદાલતે આરોપી અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડીની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે. ભોગ બનનાર ફરીયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સરકાર તરફે પરાગ શાહ રોકાયા હતા.