ઘરો અને પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
આજે બુધવાર, તા. 27 ઑગસ્ટે પોરબંદર જિલ્લામાં ગણેશ ચતુર્થી મહોત્સવનો ભવ્ય ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે પ્રારંભ થયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ઘરો તેમજ પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં આશરે 300થી વધુ પંડાલ ઊભા થવાના છે, જેમાં માત્ર પોરબંદર શહેરમાં જ 88થી વધુ મોટા પંડાલની સ્થાપના થશે. આજે વહેલી સવારે જ આયોજકો અને ભક્તો વાજતે-ગાજતે ઘેરેથી વિઘ્નહર્તા ગણેશજીને પંડાલોમાં લાવી પૂજન વિધિ સાથે પ્રતિષ્ઠાપન કરી રહ્યા છે. આગામી દિવસોમાં દરરોજ મહાઆરતી, પ્રસાદ વિતરણ, સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શહેરના અનેક વિસ્તારોમાં થીમ આધારિત પંડાલ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ગણેશોત્સવ દરમિયાન ભીડભાડ વધવાની સંભાવના હોવાથી શહેરમાં પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુખ્ય પંડાલોમાં પોલીસ તહેનાત કરવામાં આવી છે અને ટ્રાફિક નિયંત્રણ માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં દરેક ઘરો, દુકાનો અને વિસ્તારોમાં ગણેશોત્સવની ઉમંગ છવાઈ ગઈ છે. ભક્તિભાવ સાથે બિરાજમાન થયેલા ગણપતિ બાપ્પાના દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે અને સમગ્ર જિલ્લો ગણેશમય બન્યો છે.
મનપાની સ્પર્ધા: શ્રેષ્ઠ પંડાલોને ઇનામ
ગણેશોત્સવને સર્જનાત્મક અને સમાજજાગૃતિમય બનાવવા પોરબંદર મનપાએ વિશેષ સ્પર્ધાનું આયોજન કર્યું છે. શહેરના વિવિધ પંડાલોમાંથી શ્રેષ્ઠ થીમ અને કલાત્મક પ્રસ્તુતિ કરનાર પંડાલોને ઇનામ આપવામાં આવશે. મનપા ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા ઇનામ મુજબ પ્રથમ ઇનામ રૂ. 51,000, બીજું ઇનામ રૂ. 31,000, ત્રીજું ઇનામ રૂ. 21,000 અને પ્રોત્સાહન ઇનામ રૂ. 11,000 (ત્રણ પંડાલો માટે) આપવામાં આવશે. થીમ આધારિત પંડાલોમાં ‘ઓપરેશન સિંદૂર’, ‘સ્વદેશી અપનાવો’, રાષ્ટ્રીય પર્વ, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક સંદેશા પ્રસ્તુત કરાશે. નિર્ણય મંડળ દ્વારા નિરીક્ષણ બાદ વિજેતાઓ નક્કી થશે.
ચાર સ્થળે ગણેશ વિસર્જન
છાંયા વિસ્તારમાં રઘુવંશી આવાસ પાછળ
બોખીરા બી.એસ.યુ.પી. આવાસ સામે ચારણ આઈ મંદિર પાસે
બોખીરા નંદેશ્વર તળાવ
સોમનાથ મંદિર સામે અસ્માવતી ઘાટ ખાતે કૃત્રિમ કુંડ
વિસર્જન બે તબક્કામાં કરવામાં આવશે – પ્રથમ તબક્કો 31 ઑગસ્ટે અને બીજો તબક્કો 2 સપ્ટેમ્બરે યોજાશે.