બેકાબુ ટ્રકચાલકે રીક્ષાને ઠોકરે લેતા માતા-પુત્રી સહિત એક જ પરિવારના છના મોત
મૃતકોમાં દંપતિ, બહેન, માતા-પુત્રી અને વૃદ્ધ દાદીનો સમાવેશ : ભારે અરેરાટી
પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ડ્રાયવરને દબોચી લઈ કરી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યભરમાં ગમખ્વાર અકસ્માતો અટકાવવામાં પોલીસ તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે તાજેતરમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર સમી સાંજે બેકાબુ ટ્રકચાલકે રિક્ષાને ઠોકરે લેતા ચોટીલા લગ્નમાં જતા એક જ પરિવારના છ સભ્યોના મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે મૃતકોમાં દંપતિ, બહેન, માતા-પુત્રી અને વૃદ્ધ દાદીનો સમાવેશ થાય છે બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને ટ્રકચાલકે ટક્કર એવી મારી હતી કે રીક્ષાનો બુકડો બોલી ગયો હતો અને ક્રેઈનની મદદ લેવામાં આવી હતી તેમજ બે વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા હતા.
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રહેતો યુવરાજ જી જે 10 ટી ઝેડ 5377નંબરની રીક્ષા લઈને તેની પત્ની શિલ્પા અને બહેન ભૂમિને લઈને રાજકોટ નવાગામ આવ્યો હતો અહીંથી નંદનીબેન તેની માસુમ દીકરી વેદાંશ. શારદાબેન અને આનંદ રીક્ષામાં બેઠા હતા અને તમામ સાત સભ્યો ચોટીલા મામાને ત્યાં લગ્નમાં જવા પોણા પાંચ વાગ્યે નીકળ્યા હતા પરંતુ પ્રસંગમાં જવાની ખુશી માતમમાં ફેરવાઈ જશે તેવું ક્યાં કોઈ જાણતું હતું માલીયાસણ ચોકડી નજીક રીક્ષા પહોંચી ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવતા યુ પી 75 એ ટી 5808 નંબરના ટ્રકચાલકે ઠોકર મારતા રીક્ષા ટ્રકના આગળના ભાગમાં ફસાઈ ગઈ હતી અને રોડ ઉપર ઢસડાઈ ટ્રક સમેત નીચે ધસી ગઈ હતી અકસ્માત થતા જ લોકોની ચિચિયારીથી રોડ ગુંજી ઉઠયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા બનાવને પગલે એસીપી, કુવાડવા પીઆઈ રજિયા સહિતનો કાફ્લો ઘટનાસ્થળે તેમજ સીપી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીબી પીઆઈ ગોંડલીયા, પ્રનગર સ્ટાફ, એલસીબી સહિતનો કાફલો હોસ્પીટલે દોડી ગયો હતો બનાવની જાણ થતા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સિવિલ હોસ્પીટલે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત આનંદ વિક્રમ સોલંકીને સાંત્વના પાઠવી હતી ત્યારે આનંદે કહ્યું હતું કે મેં મારા પરિવારના છ સભ્યો ગુમાવ્યા છે આરોપી ડ્રાયવરને પકડી અમને સોપી દેજો અથવા પકડીને કડક સજા કરજો. મૃતદેહ બહાર કાઢવા ક્રેઈનની મદદ લેવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પીટલે પહોચાડવા પ એમ્બ્યુલેન્દ દોડી ગઈ હતી પરંતુ રીક્ષામાં સવાર સાત પૈકી છ વ્યક્તિના મોત નીપજ્યા હતા મૃતકોમાં શારદાબેન જીણાભાઇ લકુમ ઉ.60 રહે. નવાગામ, યુવરાજભાઈ રાજુભાઈ લકુમ ઉ.30 રહે. જામનગર, શિલ્પાબેન યુવરાજભાઈ લકુમ ઉ.29 રહે. જામનગર, ભૂમીબેન રાજુભાઈ લકુમ ઉ.25 રહે.જામનગર, નંદનીબેન સાગરભાઈ સોલંકી ઉ.25 રહે. નવાગામ અમે વેદાંશી સાગરભાઈ સોલંકી ઉ. 8 માસ રહે. નવાગામનો સમાવેશ થાય છે જયારે ઈજાગ્રસ્ત આનંદ વિક્રમભાઈ સોલંકી ઉ.24ને દાખલ કરવામાં આવ્યો હતો અકસ્માતને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાતા કલીયર કરવા તજવીજ હાથ ધરી હતી તેમજ અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રકચાલકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરનો મૃતક યુવરાજ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો
પ્રાથમિક પુછતાછમાં મોતને ભેટેલો યુવરાજ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને તેની બહેન ભૂમિ અપરણિત હોવાનું જાણવા મળ્યું છે જયારે પત્ની-પુત્રી ગુમાવનાર સાગરના ત્રણ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા જયારે આનંદ અપરણિત હોવાનું જાણવા મળ્યું છે.
પત્ની-પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળી યુવક હોસ્પિટલમાં ઢળી પડયો
મૃતકોમાં નવાગામ રહેતા નંદનીબેન અને તેની 8 માસની માસુમ દીકરી વેદાંશીનો સમાવેશ થતો હોય બનાવની જાણ થતા સાગરભાઈ વિક્રમભાઈ સોલંકી હોસ્પીટલે દોડી આવ્યા હતા અહીં પત્ની અને પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળી બેભાન થઈ જતા તેમને પણ દાખલ કરવામાં આવ્યા હતા.