પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે શાળા વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક લીધી ભાગીદારી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર, મકનસર ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટ અને ટગ ઑફ વોર (રસ્સાખેંચ) સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તમામ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઇ ટીમ સ્પિરિટ સાથે પોતાની કુશળતા બતાવી હતી. અંતે વિજેતા અને ઉપવિજેતા ટીમોને પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માત્ર પોલીસ જ નહીં પરંતુ આવતી પેઢી રમત-ગમત તરફ પ્રોત્સાહિત થાય તે હેતુસર શાળા બાળકો માટે પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં સક્રિય ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીઓને જીવનમાં રમતગમતનું મહત્વ, શારીરિક તંદુરસ્તી જાળવવાની જરૂરીયાત તથા સક્રિય જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
અંતે વિદ્યાર્થીઓએ એકમતથી વધુમાં વધુ રમતોમાં જોડાઈને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને સફળ બનાવવા માટે શપથ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમથી પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે રમતગમતના માધ્યમથી સકારાત્મક જોડાણ જોવા મળ્યું હતું.