સ્કેટીંગની એક મહીનાની ફી રૂ.500 જ્યારે ચેસ અને કેરમમાં પ્રતિ કલાક પ્રતિ ટેબલનો ચાર્જ રૂ. 50 નક્કી કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ કેકેવી બ્રિજની નીચે જુદી જુદી જુદી જુદી રમત-ગમત સુવિધા સાથેનો મિની ગેમઝોન બનાવવામાં આવ્યો છે. અનેક વિવાદો અને સવાલો વચ્ચે આ સ્પોર્ટસ ફેસેલીટીનું ઉદઘાટન તો કરવામાં આવ્યું નથી. પરંતુ તેનું સંચાલન બે વખતના ટેન્ડર બાદ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઇ છે. એકાદ મહિનામાં આ ગેમઝોન ધમધમતો થઇ જશે ત્યારે જુદી જુદી રમતના ગેમ અને કલાક વાઈઝ ચાર્જ પણ ફાઇનલ કરવામાં આવ્યા છે. આ સ્પોર્ટસ ફેસેલીટી ભાડે સંચાલનથી આપવા બે વખત ટેન્ડર બહાર પડાયા હતા જેના અંતે રાહ સ્પોર્ટસ એકેડેમી (હર્ષભાઇ પુજારા)ને વાર્ષિક રૂા. ર.70 લાખના ભાડાથી આ જગ્યાનું સંચાલન અપાયું છે. આ જગ્યાએ બોક્સ ક્રિકેટનું ભાડુ લોકો માટે પ્રતિ કલાક રૂા. 400 નકકી કરવામાં આવ્યું છે. જે અન્ય બોકસ ક્રિકેટ કરતા સસ્તુ છે. પીકલ બોલનો ચાર્જ પ્રતિ કલાક રૂા.500 નકકી કરાયો છે. તો સ્કેટીંગ રીંકમાં પ્રતિ માસ રૂા.500 ભરીને મેમ્બરશીપ મેળવી શકાશે. ઇન્ડોર ગેમ્સમાં સ્નુકર ટેબલ પ્રતિ ગેમ રૂા.100નો ચાર્જ રહેશે. જયારે પુલ ટેબલ રૂા. 50 અને ઇલેકટ્રીક એર હોકી (સ્ટ્રાઇકર) પ્રતિ ગેમ રૂા.50 ચાર્જ રહેશે. ચેસ અને કેરમમાં પ્રતિ કલાક પ્રતિ ટેબલનો ચાર્જ રૂા.50 નકકી કરવામાં આવ્યો છે.