-કલમ 370ની નાબુદી બાદ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી અને ત્રાસવાદને પણ પીછેહઠ કરવા માટેની જબરા સફળ અભિયાન બાદ આજથી જી-20 દેશોના પ્રવાસન વર્કીંગ ગ્રુપની શરૂ થનારી બેઠક પર સમગ્ર વિશ્વનું ધ્યાન છે તો બીજી તરફ આ બેઠક માટે શ્રીનગર સહિત સમગ્ર ખીણ તથા જમ્મુ ક્ષેત્રને ભારે સુરક્ષા હેઠળ મુકી દેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ ગણાવી ચીન તથા પાકીસ્તાને આ બેઠકનો બહિષ્કાર કર્યો છે પણ આ બેઠકને સફળ બનાવી ભારતે તેનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી છે.
- Advertisement -
શ્રીનગરમાં દાલલેકના કિનારે શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં 60થી વધુ દેશના પ્રતિનિધિઓ આ ત્રણ દિવસની બેઠકમાં હાજરી આપશે. જેમાં રાજયભરમાં તમામ સુરક્ષા ગોઠવાઈ છે. લાલચોક સહિતના ક્ષેત્રોમાં એનએસજીના કમાન્ડોને ગોઠવાયા છે અને આજે બપોર બાદ પ્રતિનિધિઓનું આગમન શરુ થશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સ્થાનિક ઉત્પાદનોની એક ખાસ પ્રદર્શની પણ લગાવાઈ છે બે દિવસના સત્રમાં પર્યટન વિષય પર જ તમામ થીમ હતી. મહેમાનોને વિખ્યાત પરીમહલ અને મુગલ ગાર્ડનની સૈર કરાવાય. સમગ્ર શ્રીનગર પણ આ માટે ખાસ સજાવાયુ છે.
સમગ્ર કાશ્મીર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ આવી ગયુ છે. જો કે સુરક્ષાના કારણોસર વિદેશી મહેમાનો માટે કાશ્મીરના હિમ હિલસ્ટેશન ગુલમર્ગ પ્રવાસનું આયોજન રદ કરાયું છે. હાલમાં જ રાજૌરી સહિતના જીલ્લાઓમાં ત્રાસવાદી હુમલા વધ્યા હોવાથી અને આસપાસના ક્ષેત્રોના જંગલોમાં કોઈ ત્રાસવાદી હરકતો થઈ શકે તેવી શકયતા હોવાથી ગુલમર્ગનો પ્રવાસ રદ કરાયા છે અને શ્રીનગરમાં જ મહેમાનોને અલગ અલગ સ્થળોએ સહેલગાહ કરાવશે. ઉપરાંત દાલ લેકમાં પણ બોટીંગની મજા લેવા પ્રતિનિધિઓ પહોચે તેવી ધારણા છે.