હમ લોગ મિડલ કલાસ નહીં, મિડલ ફિંગર કલાસ હૈ
આ અમીરોએ બનાવેલી સીસ્ટમ છે કે જેમાં ગરીબ જિંદગીભર વ્યાજ ભરતો રહે છે અને એ (અમીર) વ્યાજ ખાતો રહે છે…
- Advertisement -
પૈસાથી ખુશી મળતી નથી, આ ડાયલોગ માત્ર એ લોકો જ માર્યા કરે છે, જેની પાસે પૈસા છે જ નહીં
સબ કે અંદર એક ચોર હૈ, સીર્ફ ચાન્સ કે લીએ વેઈટ કરતાં હૈ અને…
જબ નીચે આગ નહીં લગતી, તબ જાકે ઈન્સાન રોકેટ નહીં બન પાતા હૈ.
આ સંવાદોના અન્ડરકરંટમાંથી ડિઝાઈન થયેલી વાર્તા એટલે પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી સાડા સાત કલાક લાંબી ફર્ઝી વેબસિરીઝ. પાયાની જરૂરિયાતોનો અભાવ માણસને ક્રાઈમ કરવા ઉશ્કેરતો હોય છે, એવી માન્યતા ભલે ઢ હોય પણ પૂર્ણ સચ્ચાઈ એ છે કે ખોખલી મહત્વાકાંક્ષ્ાા કે ઊંચે ઉડવાની ઉતાવળ ય માણસને ક્રાઈમની લપસણી સપાટી પર મુકી દેતી હોય છે અને શાહિદ કપૂર – વિજય સેતુપતિ – કે. કે. મેનન – અમોલ પાલેકર તેમજ ઝાકિર હુસૈન જેવા તગડા અભિનેતાઓ સાથેની ફર્ઝી વેબસિરીઝ આ જ ફિલોસોફી પર આધારિત છે.
- Advertisement -
એક ક્રિમીનલ પિતાનો ટીનએજ પુત્ર સિધ્ધાંતવાદી પત્રકાર-નાના પાસે ઉછરીને મોટો થાય છે. નાના તેને એક ઉત્તમ ચિત્રકાર-પેઈન્ટર બનવાની તાલીમ આપે છે ત્યારે તેને સપનાંમાં પણ ખ્યાલ નથી કે પૌત્ર સન્ની (શાહિદ કપૂર) પોતાની આ સુપર આર્ટનો કેવો બેતુકો ઉપયોગ કરવાનો છે. વિશ્વવિખ્યાત ચિત્રોની નકલ (ફર્સ્ટ કોપી) બનાવતાં-બનાવતાં સની પાંચસો રૂપિયાની નકલી નોટ બનાવે છે અને અંડરવર્લ્ડમાં આર્ટિસ્ટ તરીકે જાણીતો થઈ પાંચમાં પુજાવા લાગે છે. તેની સાથે મિત્ર ફિરોઝ (ભુવન અરોરા) પણ આ રેકેટમાં સામેલ છે… સામા પક્ષ્ો વિદેશમાં રહીને નકલી નોટ બનાવીને ભારતમાં ઘુસાડતાં મનસુર દલાલ (કે. કે. મેનન) ની પાછળ પડેલો સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમનો ઈન્સ્પેકટર માઈકલ (વિજય સેતુપતિ) છે.
માઈકલને તો મનસૂર દલાલ જેવા મગરમચ્છને પકડવામાં દિલચશ્પી છે પણ એક ક્રોસ રોડ પર તેનો ભેટો અને અથડામણ પરફેકટ નકલી નોટ બનાવતાં આર્ટિસ્ટ સાથે ય થવાનો છે, એ આપણે ય જાણીએ છીએ છતાં સાડા સાત કલાકની વેબસિરીઝ તમે રાત ઉજાગરા કરીને પૂરી કરો છો કારણકે… હિન્દી વેબસિરીઝમાં આટલું બારિક રીસર્ચ, શાર્પ સ્ટોરી ટેલિંગ, દિલધડક ટવિસ્ટ અને કલાસિક પાત્રલેખન-અભિનયની જુગલબંદી ભાગ્યે જ થતી હોય છે. આર્ટિસ્ટ (શાહિદ કપૂર) નકલી પાંચસોની નોટ બનાવે એ પહેલાં ઓરિજિનલ ચલણની બારીકાઈ તેમજ વિશિષ્ટતા દર્શાવવામાં આવી છે, એ ખરેખર લાજવાબ છે. એક ડાયલોગ પણ છે કે – લોગ જીસ કે (પૈસા-રૂપિયા) પીછે પાગલ હૈ, ઉસે કભી ધ્યાન સે દેખતે ભી નહીં. ફેમિલી મેન જેવી એકદમ સફળ સિરીઝ આપનારી ડિરેકટર જોડી રાજ (નિદિમોરું) અને ડીકે (ક્રિષ્ના) એ ફર્ઝીમાં પણ કમાલ કરી છે કારણકે તેમનું પેપર વર્ક (રાજ-ડી.કે. ઉપરાંત રાઘવ દત્ત, સુમન કુમાર, સીતા મેનન) એકદમ જબ્બરદસ્ત છે. વેબસિરીઝમાં સંશોધકનો સ્ટડી, ક્રિમીનલનું રીસર્ચ, માનવીય કુંઠા, મુફલિસનો આક્રોશ તેમજ નિયતિના આટાપાટાનો સુભગ સમન્વય થયો છે તો રાશી ખન્ના સહિતના તમામનું કાસ્ટીંગ પરફેકટ છે. જો કે સૌથી વધારે મજા તમને તામિલ એક્સેન્ટમાં હિન્દી બોલતાં વિજય સેતુપતિ આપે છે. આ બંદો હિન્દી સ્ક્રીનમાં તહેલકો મચાવશે, એ લખી રાખજો. વિજય સેતુપતિ અને નેતા બનતાં ઝાકિર હુસૈન વચ્ચેના શ્યો અને (ટેલિફોનીક) વાતચીત આ લખનારની ષ્ટિએ ફર્ઝી ની સૌથી મોટી હાઈલાઈટસ છે.
2023ની બોણી સિલ્વર સ્ક્રીન પર પઠાણના ધમાકાથી થઈ છે તો ઓટીટી પ્લેટફોર્મ પર ફર્ઝી નામનો બ્લાસ્ટ પણ શાનદાર રીતે થયો છે. ફર્ઝી વેબસિરીઝ વિષેના આ લખાણને તમારે માત્ર ક્રેડિટ નોટ જેટલું જ મહત્વ આપવું કારણકે પિકચર (ફર્ઝી) અભી (તમારે જોવાનું) બાકી હૈ, મેરે દોસ્ત…
શિવ શાસ્ત્રી બાલબોઆ આજ સુધી હું જીવતો હતો, હવે હું જીવી રહ્યો છું
તરત સ્પર્શી જાય એવી વાતની થીમ પર અનુપમ ખેર – નીના ગુપ્તાની શિવ શાસ્ત્રી બાલબોઆ બની છે. સિલવેસ્ટ સ્ટેલોનની રોકી ફિલ્મથી ઈન્સપાર્યડ બેન્ક ઓફિસર શિવશંકર શાસ્ત્રી રિટાયર્ડ થઈને અમેરિકામાં રહેતા પુત્ર-પુત્રવધૂ અને તેના સંતાનો સાથે રહેવા જાય છે ત્યાં અનાયાસે તેમનો પરિચય હાઉસ કિપીંગ કરતી એસ્લા (નીના ગુપ્તા) સાથે થાય છે. એસ્લા આઠ વરસથી અમેરિકામાં છે કારણકે તેનો પાસપોર્ટ માલિકોએ લઈ લીધો છે. પોતાનો એ પાસપોર્ટ હાથમાં આવ્યા પછી એ શિવ શાસ્ત્રીનો સપોર્ટ લઈને અમેરિકાથી ભાગી છૂટવા માટે નીકળી પડે છે પણ…
ખુદ અનુપમ ખેરે નિમાર્તા તરીકે બનાવેલી શિવ શાસ્ત્રી બલબોઆ નો ફર્સ્ટ હાફ પૂરો થાય ત્યાં સુધી તમને લાગે કે એ વિદેશની ધરતી પર એકાકી જીવન જીવતાં સિનિયર સિટિઝનની વાત કરે છે. દર્શક તરીકે એ મૂક વેદના તમારા સુધી પહોંચે પણ છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ જુદા ટ્રેક પર આગળ વધે છે ત્યારે તેની મૂળ થીમ સ્પષ્ટ થાય છે. દિગ્દર્શક અજય વેણુગોપાલને જ લખેલી શિવ શાસ્ત્રી બલબોઆ સાવ કાઢી નાખવા જેવી ફિલ્મ નથી. એ હસતાં-હસાવતાં તેની મંઝિલે પહોંચે છે. અમુક વાતો ગળે ઉતરતી નથી પણ ઓટીટી પર આવે ત્યારે સહપરિવાર જોઈ શકાય એવી ફિલ્મ જરૂર છે.