વનવિભાગનો માલધારી પર કથિત ત્રાસનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
વિસાવદર પંથકના જાંબુથાળા નેસમાં વનવિભાગના કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર બે માલધારી પૈકી એક માલધારી સલીમ ઇસ્માઇલ બ્લોચનું સારવાર દરમિયાન મંગળવારે કરુણ મૃત્યુ થયું છે.
થોડા દિવસો પહેલા, વનવિભાગ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે હનીફ બ્લોચ અને સલીમ બ્લોચે વનવિભાગની કચેરીમાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં બંને માલધારીને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, મંગળવારે સાંજે સારવાર કારગત ન નીવડતા સલીમ બ્લોચે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી માલધારી સમાજ અને પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ છે. બનાવ સમયે સ્થળ પર પહોંચેલા સામતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, વનવિભાગના ત્રાસથી માલધારીઓ કંટાળી ગયા હતા અને તેમની રજૂઆત કોઈ સાંભળતું નહોતું. આ જ કારણોસર તેમણે આવું આત્યંતિક પગલું ભર્યું હતું. પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વનવિભાગ અને સ્થાનિક માલધારીઓ વચ્ચેના સંઘર્ષની ગંભીરતાને ઉજાગર કરી છે અને સરકારનું ધ્યાન ખેંચ્યું છે.



