અગાઉથી દાગીના પસંદ કરીને પવિત્ર દિવસે ડીલીવરીની પરંપરાને ઝટકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સોના-ચાંદીના ભાવોમાં એકધારી તોતિંગ તેજી અને રોજેરોજ ભાવમાં નવી ઉંચાઈ જોવા મળી રહી છે. દશેરા-દિવાળીના તહેવારોની ઘરાકીને મોટી અસર થવાની ભીતિ છે ત્યારે જવેલર્સોએ એડવાન્સ બુકીંગમાં સિસ્ટમ બદલાવી નાખી છે. પુર્ણ પેમેન્ટ વસુલાતના આધારે જ બુકીંગની સીસ્ટમ દાખલ કરવામાં આવી છે. ભાવમાં મોટી વધઘટને કારણે આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. દશેરા-ધનતેરસ કે અન્ય પવિત્ર દિવસોમાં સોના-ચાંદીની શુકનવંતી ખરીદીની પરંપરા છે. આ દિવસોમાં મોટી ખરીદી થતી હોય છે. જવેલર્સ શોરૂમમાં ગ્રાહકોની ભીડ હોય છે. ભીડથી બચવા અનેક ગ્રાહકો અગાઉ જ દાગીના પસંદ કરીને દશેરા કે જે-તે દિવસે ડીલીવરી લઈ જવાની શરતે બુકીંગ કરાવતા હોય છે અને તે પેટે ટોકન રકમ ચુકવતા હોય છે. ડીલીવરીના દિવસે જે ભાવ હોય તે કિંમતે દાગીના આપવાની શરત હોય છે પરંતુ આ વખતે સોના-ચાંદીમાં અભૂતપૂર્વ તેજી થતા ડીલીવરીના દિવસે ભાવ કેવો હોય તે અનિશ્ચિત હોવાથી સ્ટ્રેટેજી બદલવામાં આવી છે.
સોનાનો ભાવ 1.18 લાખના સ્તરે પહોંચ્યો છે. એક માસમાં 14200 રૂપિયા વધ્યો છે જે 13 ટકા થાય છે. મોટી તેજી-વધઘટને કારણે સંભવિત જોખમ રોકવા સ્ટ્રેટેજીમાં ફેરફાર છે.
ઝવેરીઓના કહેવા પ્રમાણે બુકીંગ અને ડીલીવરીના ગાળામાં ભાવમાં 10 ટકા જેવી વધઘટ થઈ જાય તો મુશ્કેલી થઈ શકે. અમદાવાદ જવેલર્સ એસોસીએશનના ખજાનચી જીગર પટેલે કહ્યું કે ડીલીવરી-એડવાન્સ બુકીંગ સીસ્ટમમાં ફેરફાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ઝવેરીઓ દાગીનાના વેચાણની સામે તૂર્ત સોનુ ખરીદી લેતા હોય છે. હવે કાચુ સોનુ વેચતા વેપારીઓ પણ ફુલ પેમેન્ટ માંગે છે એટલે એડવાન્સ બુકીંગમાં પણ ગ્રાહકો પાસેથી ફુલ પેમેન્ટ લેવાનું શરૂ કરાયુ છે. જો કે, ઘડામણ ચાર્જની રકમ બાકી રાખવામા આવે છે. અમદાવાદના જાણીતા જવેલર્સ કાલ્પનિક ચોકસીએ પણ સ્વીકાર્યુ કે, એડવાન્સ બુકીંગમાં પણ ફુલ પેમેન્ટ વસુલવાનું શરૂ કરાયુ છે.