NEP મુજબ 54,916 વિદ્યાર્થીની પરીક્ષા
50 માર્કની થિયરી યુનિ. અને 50 માર્કની ઇન્ટર્નલ પરીક્ષા કોલેજ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજીના સેમેસ્ટર-3ના વિદ્યાર્થીની પરીક્ષા 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 157 પરીક્ષા કેન્દ્ર પર 54,916 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે, હવે કોલેજના વિદ્યાર્થીની 80 કે 100 માર્કની પરીક્ષા નહીં લેવાય, પરંતુ ગઊઙ-2020 પ્રમાણે 50 માર્કની થિયરીની પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેશે અને 50 માર્કની ઇન્ટર્નલ પરીક્ષા કોલેજ કક્ષાએ લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
- Advertisement -
અગાઉ 100 માર્કની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવાતી અને પાસ થવા માટે 36 માર્ક હતા, પરંતુ હવે 50 માર્કની ઇન્ટર્નલ પરીક્ષા કોલેજ કક્ષાએ લેવાની છે. એટલે કે હવે વિદ્યાર્થીને પાસ કરવાનો પાવર કોલેજ પાસે પણ રહેશે. અગાઉ યુનિવર્સિટીએ લીધેલી પરીક્ષામાં 36 માર્ક મળે તો જ વિદ્યાર્થી પાસ થતા હતા, પરંતુ હવે ઇન્ટર્નલ પરીક્ષા લેવાની અને માર્ક આપવાની સત્તા પણ કોલેજો પાસે રહેશે. આજથી શરૂ થતી પરીક્ષાનો સમય સવારે 10:30થી 1:30 અને બપોરનો 2:30થી 4:30 સુધીનો હશે.
157 પરીક્ષા કેન્દ્ર ઉપરથી આ પરીક્ષા લેવામાં આવશે જેમાં અંદાજે 75 જેટલા ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે.આ પરીક્ષામાં સૌથી વધુ બી.એ અને બી.કોમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. બીએમાં 20,881 તો બીકોમમાં 17,424 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. જ્યારે બીએસસી એપ્લાઇડ ફિઝિક્સ વિષયમાં સૌથી ઓછા માત્ર 2 તો બીએ આઇડીમાં 11 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 54,916 વિદ્યાર્થીની 17મીથી શરૂ થતી પરીક્ષામાં અમુક કોર્સની માત્ર 2 દિવસ તો અમુકની 7 દિવસ પરીક્ષા ચાલશે.