ગુજરાત પોલીસ એક્શન મોડમાં: અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના અને છારાનગરમાં ગેરકાયદે મિલકતો ધરાશાયી, નિર્લિપ્ત રાયના મોનિટરિંગમાં કામગીરી
જામનગરના કાલાવડ નાકા બહાર નજીક નદીના પટમાં ગેરકાયદે દબાણોને દૂર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. શનિવારે(15 માર્ચે) બપોરે 3 વાગ્યે થયેલા આદેશને બુધવારે(19 માર્ચે) સાંજે 7 વાગ્યે 100 કલાક પૂરા થતા જ ’ગેંગ્સ ઓફ ગુજરાત’ની યાદી સામે આવી ચૂકી છે.
ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવાં પગલાં લેવાની સાથે સાથે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યાં હોય તેની તપાસ કરી તેના પર બુલડોઝર ફેરવી દેવાશે. ગુજરાત પોલીસ આજથી જ અમદાવાદ સહિતનાં શહેરોમાં એક્શનમાં જોવા મળશે.
દરિયાપુર મનપસંદ જિમખાના કલબના બિલ્ડીંગ અંગેની સમગ્ર માહિતી નિર્લિપ્ત રાયે મેળવી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ અને જખઈના પી.આઈને આ સમગ્ર બિલ્ડિંગ અંગે પૂછપરછ કરી હતી. તેમજ જે તે સમયે દરોડા પાડ્યા ત્યારે કઈ કઈ જગ્યાએ જુગાર રમાતો હતો અને ક્યાં દરોડા પાડ્યા હતા તેની સમગ્ર માહિતી મેળવી હતી. બિલ્ડિંગમાં જે જગ્યાએ ગેરકાયદેસર હોય અથવા તો કાયદેસર છે કે કેમ તેની સમગ્ર માહિતી મેળવી હતી. જ્યાંથી જુગાર પકડાયો હતો તેવા ત્રણથી ચાર મકાનો પણ તેઓએ તપાસ્યા હતા અને ભાડે હતા કે પોતાના છે તેની માહિતી મેળવી હતી. જે શ્ર્વાન ઘરમાં રાખવામાં આવ્યા હતા તે અંગે પણ પૂછપરછ કરી હતી અને તેને આવી રીતે ઘરમાં ના રાખી શકાય તેના માટે નિયમ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવા પણ કહ્યું હતું.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર નજીક નદીના પટમાં થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનું કાર્ય આજથી શરૂ થયું છે. એસ્ટેટ વિભાગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીમાં બંધાયેલો વાળા ગોડાઉન જેવી અનેક જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હજુ પણ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં ડિમોલેશન થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ કે દોષિતોનાં ઘર પર બુલડોઝર ન ચલાવવા બાબતે સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બર, 2024ના દિવસે ચુકાદો આપ્યો. ચુકાદાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ લાઈન કહી હતી. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં સરકારની મનમાની પર બુલડોઝર ફરી વળ્યું હતું. અત્યારસુધી ભાજપશાસિત રાજ્યોની સરકાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેતી હતી, પણ હવે એવું નહીં કરી શકે.
સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું હતું કે અધિકારીઓ અદાલતની જેમ કામ ન કરી શકે અને વહીવટીતંત્ર જજ ન બની શકે. હવેથી આવી મનમાની ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છતાં ભાજપશાસિત રાજ્યોમાં સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન થાય છે અને અમદાવાદની આ ઘટના એનો પુરાવો છે.
રાજકોટના જંગલેશ્ર્વરમાં ડ્રગ પેડલરના ઘરનું ડીમોલિશન
- Advertisement -
ટપોરીઓનું લિસ્ટ તૈયાર કર્યા બાદ એક પછી એક નામીચા શખ્સોના ઘરની જડતી
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે 100 કલાકમાં કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવા આપેલી સૂચનાને પગલે રાજકોટ પોલીસે 756 ગુનેગારોની યાદી તૈયાર કરી હતી પોલીસે યાદીમાં સંડોવાયેલા ગુનેગારો પૈકી કુખ્યાત રમાના જંગલેશ્ર્વરમાં આવેલા મકાન પર બુલડોઝર ફેરવી દેતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરના કુખ્યાત ગુનેગારો સામે ગઈકાલ સાંજથી જ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી.
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં ગઈકાલે સાંજે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી (ક્રાઈમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસઓજી પીઆઇ એસ એમ જાડેજા, ભક્તિનગર પીઆઇ એમ એમ સરવૈયા સહિતના અધિકારીઓની સાથે સાથે એસઓજી અને ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ પણ બુલડોઝર સાથે દોડી આવ્યાં હતા.
રાજકોટનાં રૈયાધાર, ભિસ્તીવાડ, ભગવતીપરામાં પોલીસનું સઘન કોમ્બિંગ
સાથે સાથે મહાનગરપાલિકાની ટીમ અને પીજીવીસીએલનો સ્ટાફ પણ હાજર થઈ ગયો હતો જંગલશ્ર્વર શેરી નં.6માં આવેલા મહિલા ડ્રગ પેડલર કુખ્યાત રમા સંધિના પતિ જાવિદ જુણેજાએ બનાવેલા બે માળના મકાન પાસે જેસીબી ઊભું રહી ગયું હતું. બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર ઓરડી અને ઉપરના માળે ચાર ઓરડી બનાવેલી હતી અને તે તમામમાં ભાડુઆતો રહેતા હતા. પોલીસે ભાડુઆતોને બહાર કાઢ્યા હતાં તેમજ પીજીવીસીએલની ટીમે વિજ કનેકશન કાપી નાંખ્યું હતું તે સાથે જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અગાસી પર ડ્રિલથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને મકાન તોડી પાડવામાં આવ્યું હતું છ મહિના પહેલા એસઓજીની ટીમે દરોડો પાડી આ મકાનમાંથી 51 કિલો ગાંજા સાથે જાવિદ જુણેજા અને તેના સાગરીતોને પકડયા હતા અને તે તમામ આરોપીઓ હાલ જેલમાં છે, રમા અને તેના પતિ જાવિદનું પોલીસના હિટલિસ્ટમાં નામ આવતા જ પોલીસે મંગળવારે મહાનગરપાલિકાને જાણ કરી ડિમોલિશનની નોટિસ આપવા કહ્યું હતું. મનપાએ મંગળવારે વધુ એક વખત નોટિસ આપી હતી અને બુધવારે પોલીસે રમાના પતિ જાવિદ જુણેજાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વડાની સૂચના મુજબ શહેર પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને એકથી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરી હતી તેમાંથી 756 ટોપ મોસ્ટ ગુનેગારની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ ગુનેગારોની તમામ બાબતની તપાસ કરી નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રગ્સ પેડલર સુધા ધામેલિયાના ઘરે સર્ચ
રાજકોટમાં ગુનેગારો અને દેશી દારૂના ધંધાર્થીઓ માટે પંકાયેલ રૈયાધાર વિસ્તારમાં પણ પોલીસે સઘન સર્ચ કર્યું હતું. સાંજ પડતાંની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને યુની. પોલીસની ટીમોના ઘાડેધાડા ઉતરી આવ્યાં હતાં અને ઘરે ઘરે જઈ સઘન તપાસ હાથ ધરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા પણ સર્ચમાં જોડાયા હતાં અને કુખ્યાત પેડલર સુધા ધામેલીયાના ઘરે પોતે જ યુની. પોલીસની ટીમ સાથે ઘસી જઈ સઘમ તપાસ હાથ ધરી હતી ઉપરાંત પોલીસની ટીમોએ વિસ્તારમાંથી જબરૂ કોમ્બિંગ હાથ ધરતાં રીતસર ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આગામી સમયમાં રૈયાધાર વિસ્તારમાં પણ ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરવાની તૈયારી થઈ રહી છે.
ડીમોલિશનની સાથે-સાથે…
કેશુભાઈ પટેલ- હરેન પંડ્યાની જોડીએ ગૂંડાગીરી- ઑર્ગેનાઈઝ્ડ ગેન્ગ સામે અત્યંત કડક હાથે પગલાં લીધાં હતાં અને સૌરાષ્ટ્રની અનેક ગેંગનો સફાયો કર્યો હતો.
પોરબંદરની ગેન્ગો, જામખંભાળિયા અને સલાયાની ગેન્ગ્સ સામે સખત પગલાં લેવાયા હતાં અને રામા ગઢવીની ગેરકાયદે મિલકતોનું ડીમોલિશન પણ કરાયું હતું.
એ પછી ભાગ્યે જ કોઈ ગૃહમંત્રીએ ગૂંડાગીરી સામે આયોજનપૂર્વક ઍકશન્સ લીધાં છે પરંતુ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ કામગીરીથી ગુજરાતનાં ગૂંડાઓમાં અને લુખ્ખાઓમાં અત્યારથી જ ડર દેખાઈ રહ્યો છે.
અસામાજિક તત્ત્વો સામેની આ લડાઈમાં સૌથી મોટો પડકાર રાજકીય નેતાઓની દખલગીરીનો છે. મોટા ભાગનાં ગૂંડાઓ રાજકીય ઓથ હેઠળ ફૂલ્યાંફાલ્યાં છે. ગૂંડાઓને હૂંફ આપવામાં કૉંગ્રેસ-ભાજપ વચ્ચે કોઈ વિચારભેદ નથી, આચારભેદ પણ નથી. આવી સ્થિતિમાં જો નેતાઓની ભલામણો સ્વીકારવામાં આવશે તો આખું ઓપરેશન નિરર્થક બની જશે.
ગુજરાતમાં ‘યોગી સ્ટાઈલ’નાં આવા ઓપરેશનની તત્કાળ જરૂર હતી. રાજ્યમાં મિલકત સંબંધી ગુનાઓમાં બેફામ વધારો થયો છે, જમીનો ખાઈ જવાની રીતસર પ્રથા પડી છે. ગૂંડાગીરી બેકાબૂ છે, શરાબની બદી, ગેરકાયદે ખનન- ખનિજ ચોરી સહિતનાં અનેક ગુનાઓ તત્કાળ ડામવા જરૂરી છે.