ટ્રકમાં ચોરખાનામાંથી 2939 બોટલ દારૂની મળી: બેની અટક કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં મોટીમાત્રામાં વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસને એલસીબીએ નિષ્ફળ બનાવી દીધો છે. પ્રાપ્ત વિગત મુજબ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા હોવાથી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન એલસીબીની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે ટ્રક નં.જીજે 11 એક્સ 8823 માં દારૂનો જથ્થો ભરાયને કોડીનાર તરફ જઈ રહ્યો છે. જેના આધારે એલસીબી પીઆઈ એસ.એલ. વસાવાએ સ્ટાફને સાથે લઈ કોડીનાર બાયપાસ પાસે હોટલ મુરલીધર પાસે પહોંચેલ તે સમયે બાતમી મળેલ ટ્રક ત્યાં જોવા મળેલ હતો. જેથી પોલીસ સ્ટાફે ટ્રકમાં તપાસ કરતા ડ્રાઈવર કેબીનની પાછળ એક ઉભા ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 110 પેટીમાં 2939 વિદેશી દારૂની બોટલો કી. રૂ.5,27,600 નો જથ્થો હોવાનું જણાયેલ હતુ.જે અંગે સ્થળ પર હાજર ટ્રકના ડ્રાઈવર ગોપાલ રામજી રાઠોડ અને કલીનર અમરસિંહ દાના ડોડીયાને પૂછતાં તેઓ સંતોષકારક જવાબ આપતા ન હતા. જેથી બંન્નેની પોલીસે આગવીઢબે પુછપરછ હાથ ધરતા ડોળાસાના અશ્ર્વિન દાહીમાએ વાપીના સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરાવ્યો હતો.
- Advertisement -
આ જથ્થો સોમનાથ લઈ જવાનું કહ્યું હતુ. જેના આધારે એલસીબીએ પકડાયેલા ગોપાલ રામજી રાઠોડ (રહે.દેલવાડા-ઉના) તથા અમરસિંહ દાના ડોડીયા (રહે.અંજાર-ઉના) તથા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અને હાલ નાસી ગયેલા ડોળાસાના અશ્ર્વિન દાહીમા, તાલાલાના હુસેન બાદશાહ, ઉનાના અંજાર ગામના રમેશ બાબુ વંશ સામે રૂપિયા 5.27 લાખના દારૂ, 15 લાખના ટ્રક મળી કુલ રૂપિયા 20.28 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.