માત્ર 8 મહિનામાં ‘100 ચક્ષુદાન’નું લક્ષ્યાંક પૂર્ણ
1 માર્ચના રોજ ચક્ષુદાતા પરિવારોનો પાંચમો સન્માન સમારોહ યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક સેવામાં અગ્રેસર રહેતા જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ટ્રસ્ટના અવિરત પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનને કારણે અત્યાર સુધીમાં 800 વ્યક્તિઓના ચક્ષુદાન મેળવી કુલ 1600 જરૂરિયાતમંદોના જીવનમાં પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્વારા આગામી 1 માર્ચના રોજ ચક્ષુદાતા પરિવારોના સન્માન માટેનો પાંચમો કાર્યક્રમ પણ યોજાશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, શરૂઆતના પ્રથમ 100 ચક્ષુદાન મેળવતા ચાર વર્ષનો સમય લાગ્યો હતો, પરંતુ વધતી જાગૃતિને કારણે આ આંકડો હવે ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આઠમું 100 ચક્ષુદાનનું લક્ષ્યાંક માત્ર 8 મહિનામાં પૂર્ણ થયું છે. નોંધનીય છે કે, સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમો યોજીને ટ્રસ્ટે ત્યાંથી જ સાત જેટલા ચક્ષુદાન મેળવવાની વિરલ સિદ્ધિ મેળવી છે. ગત વર્ષે ઉનાળામાં 42 દિવસ સુધી અંદાજે 1 લાખથી વધુની છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ 30 એપ્રિલથી સતત 40 દિવસ સુધી સેવા ચાલુ રાખી 1,07,000ની છાશ અર્પણ કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ માટે બુક બેંક શરૂ કરાઈ છે, જે અંતર્ગત આ વર્ષે ધોરણ 5 થી 12 ના 40 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પુસ્તકો અપાયા છે. જન્માષ્ટમી અને દિવાળીમાં મીઠાઈ-ફરસાણ વિતરણ, તેમજ શિયાળામાં ધાબળા અને સ્લીપર વિતરણ જેવી પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવે છે.
ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ચાર સન્માન કાર્યક્રમો યોજાઈ ચુક્યા છે. આગામી 1 માર્ચના રોજ ચક્ષુદાન ક્રમાંક 581 થી 750 સુધીના દાતાઓના પરિવારજનોનું સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવશે.



