આસામના ગુવાહાટીમાં પોલીસે 18 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે મણિપુરની બે વ્યકિતઓની ધરપકડ કરી
11 કરોડનું કોકેઇન ભરેલી 59 કેપ્સ્યુલ ગળી ગયેલી ગિની-બિસાઉની મહિલા દિલ્હી એરપોર્ટ પર પકડાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આસામ, મિઝોરમ અને દિલ્હીમાં કુલ 46 કરોડ રૂપિયા ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં કુલ પાંચ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આસામના ગુવાહાટીમાં 18 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે મણિપુરની બે વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક વાહનનો પીછો કરી આ બે વ્યકિતઓની ધરપકડ કરી હતી તેમ વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એસટીએફના ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ પાર્થ સાર્થી મહાંતાએ જણાવ્યું હતું કે મણિપુરની બે વ્યકિત ડ્રગ્સ લઇને આસામમાં પ્રવેશવાની ચોક્કસ માહિતી મળ્યા પછી મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
- Advertisement -
ટ્વિટર પર આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું કે આસામ પોલીસે 2.2 કીલો હેરોઇન પકડી પાડયું છે.
જે પૈકી 1.3 કીલો હેરોઇન વાહનમાંથી મળી આવ્યું હતું જ્યારે અન્ય 900 ગ્રામ હેરોઇન ભાડાના મકાનમાંથી મળી આવ્યું હતું.
બીજી તરફ મિઝોરમના મમિત જિલ્લામાં પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી તેની પાસેથી 17 કરોડ રૂપિયા પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે તેમ અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ સંદર્ભમાં 36 વર્ષીય મોહંમદ ઇદરીશ મિયા અને 28 વર્ષીય ખુગોન દાસની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ગિની-બિસાઉની મહિલાની 11 કરોડ રૂપિયાના કોકેઇન સાથે ધરપકડ કરી છે. તેની પાસેથી નાર્કોટિક ભરેલી 59 કેપ્સ્યુલ મળી આવી હતી. આ મહિલા આ કેપ્ય્સુલો ગળી ગઇ હતી. મહિલાને હોસ્પિટલ લઇ જઇ ત્યાં આ કેપ્સ્યુલ બહાર કઢાવવામાં આવી હતી. આ કેપ્સ્યુલમાંથી કુલ 274 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું.