ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ભવનાથ તળેટીમાં 22 ફેબ્રુઆરીથી શિવરાત્રીનું મહાપર્વ શરુ થવાનું છે.આ પર્વે જૂનાગઢનાં આંગણે ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળામાં ભારતભરમાંથી ભાવીકો ભવે ભવનું ભાથુ બાંધવા પધારતા હોય છે. ત્યારે ભાવીકોની સેવા સહુલીયત માટે અનેક અન્નક્ષેત્રો, સેવા સંસ્થાઓ અવિરત સેવાક્ષેત્રે કાર્યરત હોય છે. જૂનાગઢમાં વસતા લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટનાં યુવાનો દ્વારા દત્ત ચોકમાં ભાવીકોને દરરોજ નવા નવા પ્રકારનાં અલીમીટ નાસ્તાઓની ડીસ પીરસતા રહેશે. મેળામાં એકપણ પળ બંધ રાખ્યા સિવાય અવિરત ચા સ્ટોલ કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે મેળામાં ખોડીયાર રાસ મંડળ, આપાગિગાના ઓટલાનું અન્નક્ષેત્ર, વિવિધ ઉતારા મંડળનાં અન્નક્ષેત્રો મેળામાં પધારેલ ભાવીકોને મનભાવન ભોજન પિરસતા રહેશે, આવી જ રીતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ અને ભોજલરામ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રમાં દર વર્ષે લાખો ભાવીકોને ભોજન પિરસાતુ રહ્યુ હતુ. પરંતુ દત્ત ચોકમાં નાસ્તારૂપે જો ભોજન પીરસાય તો વધુ લોકોને જરુરત મુજબ નાસ્તો મળે તેવા અનુભવે આ વર્ષે નાસ્તા અને ચાની સેવા શરૂ કરવામાં આવશે. આ માટે પરેશભાઇ ડોબરીયા, હરેશભાઇ કાવાણી, દિલીપભાઇ રાબડીયા, મનસુખભાઇ ક્યાડા અને લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની ટીમ સેવા માટે તૈયાર છે. અને રોજે રોજ નવા નવા પ્રકારનાં નાસ્તાની ડીસ દ્વારા ભાવીકોને ભોજન સેવા થતી રહેશે.
મહાશિવરાત્રિનાં મેળામાં લેઉવા પટેલ સમાજ દ્વારા ભાવિકો માટે ચા-નાસ્તાની નિ:શુલ્ક સેવા
