ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં વેપારીને જૂનાગઢ, જેતપુર અને સુરતનાં 4 શખ્સોએ વિશ્ર્વાસમાં લઇ 42 ટન ઘાણા મંગાવ્યાં હતાં. બાદ 42 ટન ધાણાનાં 31,06,829 રૂપિયા ન આપી છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારીએ 4 શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં મઘુરમ વિસ્તારમાં રહેતા નરેશભાઇ દુદાભાઇ રાઠોડની ઝાંઝરડા ચોકડી ઉપર ક્રિષ્ના ટ્રેડીંગ નામની ઓફીસ આવેલી છે અને ચણા,ધાણા,ઘઉંનો વેપાર કરે છે. જૂનાગઢનાં દીપાંજલીમ-બેમાં રહેતા કિશનભાઇ અશોકભાઇ બોરખતરીયાએ રુદ્ર એન્ટરપ્રાઇઝ વાળા પ્રિતેશભાઇ કકડ ઉર્ફે રુદ્રભાઇ (રહે.દાહોદ) નરેશભાઇનાં કારખાને આવ્યાં હતા અને કહ્યું હતું કે, ગાંધીધામમા શ્રીનાથ ટ્રેડીંગ નામની બહુ મોટી પેઢી છે. સારો વેપાર કરે છે અને તે પેઢીના માલીક જીગ્નેશભાઇ કલોલા છે.તેનો વહીવટ મનોજભાઇ પટેલ નામના માણસ કરે છે.
- Advertisement -
આમ વિશ્ર્વાસમાં લઇ નરેશભાઇને જીગ્નેશભાઇ કલોલા તથા મનોજભાઇ પટેલ સાથે ફોનમા વાત કરાવી હતી. તેમજ પ્રથમ શ્રીનાથ ટ્રેડીંગના માલીક જીગ્નેશભાઇ કલોલા તથા મનોજભાઇ પટેલએ 30 ટન ચણા કિંમત રૂપિયા 14,67,726 તથા 50 ટન ઘઉં કિંમત રૂપિયા 11,31,637 નો વેપાર કરી પેમેન્ટ મોકલી આપ્યું હતું. જૂનાગઢનાં વેપારીને વિશ્ર્વાસમાં લઇ 42 ટન ધાણા કિંમત રૂપિયા 31,06,829 ના મંગાવ્યા હતાં,બાદ જીગ્નેશભાઇ કલોલાએ પોતાની પેઢી બંધ કરી દીધી હતી. અને મનોજભાઇ પટેલએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો.વેપારીનાં 42 ટન ધાણાના 31,06,829 રૂપિયા ન આપી છેતરપિંડી કરી હતી. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં નરેશભાઇ દુદાભાઇ રાઠોડે કિશનભાઇ અશોકભાઇ બોરખતરીયા, ગીરીશભાઇ વેગડ, મહેશભાઇ રાણપરીયા (રહે.જેતપુર), જયેશભાઇ પટોડીયા (રહે.સુરત) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.