જગ્યાનો માલિક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં ઝડપાયેલા વધુ ચાર આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે આ ગુનામાં જગ્યાનો માલિક એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે
- Advertisement -
રાજકોટના TRP ગેમઝોનમાં ગત તારીખ 25.05.2024ના રોજ થયેલ અગ્નિકાંડ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અગાઉ પકડાયેલા યુવરાજસિહ હરિસિહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, નીતિન જૈન અને કિરીટસિહ જગદીશસિહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી આ તમામના રિમાન્ડ પૂરા થયા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા જ્યારે આ દુર્ઘટનામાં બેજવાબદારી દાખવનાર મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ રિમાન્ડ દરમિયાન સગાંઠિયા સામે બોગસ મિનિટ્સ બુક બનાવ્યાનો બીજો ગુનો પણ નોંધાયો હતો ગઈકાલે બુધવારે 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા ચારેય આરોપીઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવેલ છે જો કે આ ગુનામાં હજુ પણ એક આરોપી પકડવાનો બાકી છે.